ઓડિશાના બાલાસોરમાં ભયાનક ત્રણ ટ્રેન અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે.  લોકો અને અનેક સંસ્થાઓ ઓડિશાના બાલાસોરમાં  દુ:ખદ ટ્રેન અકસ્માતના સ્થળે દોડી આવ્યા હતા. જેથી શક્ય તેટલા લોકોના જીવ બચાવવામાં બચાવ અધિકારીઓને મદદ કરી શકાય. આ સંસ્થાઓમાં રિલાયન્સ ફાઉન્ડેશન પણ છે.  જે સક્રિય રીતે મદદ કરી રહી છે.  રિલાયન્સ ફાઉન્ડેશનની ઓન-સાઇટ ટીમો બચાવ કર્મચારીઓને પૌષ્ટિક ભોજન પૂરું પાડવા માટે  રસોડું  ચલાવીને બચાવ અને રાહત પ્રયાસોમાં મદદ કરી રહ્યા છે. તેઓ બાલાસોરના બહાનાગા ગામમાં અકસ્માત સ્થળ પર વિવિધ રીતે મદદ  કરી રહ્યા છે.


સંસ્થાએ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો  શેર કરી છે.  આ તસવીરના  કેપ્શનમાં લખ્યું છે કે, ઓડિશામાં  દુ:ખદ ટ્રેન દુર્ઘટનાથી પ્રભાવિત લોકો સાથે અમે ઊભા છીએ, જમીન પર અમારી ટીમો બચાવ અને રાહત કામગીરીને સમર્થન આપી રહી છે.






 


દુઃખના આ સમયમાં બચાવ કાર્યકરો મહત્તમ  જીવન બચાવવા માટે અથાગ પરિશ્રમ કરે છે. તેમને સમર્થન આપવા માટે અમે તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી તેમને મદદરુપ થઈ રહ્યા છીએ. બાલાસોરના બહાનાગા ગામમાં અકસ્માત સ્થળ પર કામ કરતા કામદારો અને અધિકારીઓને ભોજન પીરસીએ છીએ અને અન્ય સહાય સાથે જરૂરી વસ્તુઓ આપીએ છીએ. અમે ઘાયલો ઝડપથી સાજા થાય તેના માટે ભગવાનને  પ્રાર્થના કરીએ છીએ. 


ઓરિસ્સાના  બાલાસોરમાં શુક્રવારે (2 જૂન) સાંજે થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ સતત રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. સ્થળ પર હજુ પણ કામ ચાલુ છે અને ટૂંક સમયમાં ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 


બુલડોઝરની મદદથી ડબ્બા દૂર કરવામાં આવી રહ્યા છે


ક્ષતિગ્રસ્ત કોચને ટ્રેક પરથી હટાવવા માટે ક્રેન અને બુલડોઝરની મદદ લેવામાં આવી રહી છે. ભયાનક ટ્રેન દુર્ઘટનાને કારણે ટ્રેનના ડબ્બા જમીનમાં ધસી ગયા છે. આ સાથે પાટા પરથી કાટમાળ પણ હટાવવામાં આવી રહ્યો છે જેથી કરીને આ રેલ્વે લાઇનને ફરીથી સરળ બનાવી શકાય. હાલ અકસ્માત બાદ ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અને ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.


હાવડા તરફ જતી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ (વિરુદ્ધ દિશામાં) ડાઉન મેઇન લાઇન પર મુસાફરી કરી રહી હતી ત્યારે કોરોમંડલે માલસામાન ટ્રેનને ટક્કર મારી હતી. જ્યારે કોરોમંડલ માલસામાન ટ્રેન સાથે અથડાઈ ત્યારે મોટાભાગની બેંગલુરુ-હાવડા ટ્રેન અકસ્માત સ્થળને પાર કરી ચૂકી હતી. જો કે, બેંગ્લોર-હાવડા એક્સપ્રેસના કેટલાક છેલ્લા કોચ અકસ્માતનો ભોગ બન્યા હતા અને પાટા પરથી ઉતરી ગયા હતા.