નવી દિલ્હી: કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સોનિયા ગાંધીના કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાના સામાચાર ખોટા છે. સુરજેવાલાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સોનિયા ગાંધીએ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.


સોનિયા ગાંધીએ પાર્ટીના કેટલાક નેતાઓને અધ્યક્ષ પદ છોડવાની વાત કહી. આ સાથે જ કહ્યું કે પાર્ટી હવે નવા અધ્યક્ષની નિમણુક કરે. તેમના આ નિવેદન બાદ ફરી એક વખત ચર્ચા થવા લાગી કે પાર્ટીનું આગામી અધ્યક્ષ કોણ હશે? શું એ ગાંધી પરિવારમાંથી હશે કે પછી અન્ય કોઈને પાર્ટીની કમાન સોંપવામાં આવશે. આ બધાની વચ્ચે કાલે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠકને ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે.

કૉંગ્રેસ અધ્યક્ષ પદની ચર્ચાઓ વચ્ચે પાર્ટીના સીનિયર નેતા સલમાન ખુર્શીદે પોતાનો મત વ્યક્ત કર્યો છે. સલમાન ખુર્શીદે કહ્યું કે જો કોઈ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ તરીકે પરત આવવા કહી રહ્યું છે, તો આ તેમણે નક્કી કરવાનું છે. જે પણ તેમને પાર્ટી અધ્યક્ષ બનાવવા માંગે છે, હું તેમની સાથે છું. મને આશા છે કે તેઓ નક્કી કરશે કે તેઓ ફરી પાર્ટી અધ્યક્ષ હશે.

લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કૉંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કહ્યું કે કૉંગ્રેસનું ભવિષ્ય તમારા અને રાહુલ ગાંધીના હાથમાં સુરક્ષિત છે.