નવી દિલ્હીઃ કર્ણાટક સરકારે રાજ્યમાં કોરોના સામે જંગ લડી રહેલા રેજિડેન્ટ ડૉક્ટરોને 30 થી 50 ટકાની સ્ટાઇપેન્ડની ગિફ્ટ આપી છે. રાજ્યમાં જ્યારથી કોરોનાએ પગપેસારો કર્યો છે, ત્યારથી આ ડૉક્ટરો સતત હૉસ્પીટલોમાં ડ્યૂટી કરી રહ્યાં છે.


તાજેતરમાં જ આ ડૉક્ટરોએ રાજ્ય સરકાર પાસે રેજિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશનની તરફથી સ્ટાઇપેન્ડ રકમ વધારવાની માંગ કરી હતી.

જેના પર રાજ્ય સરકારે પોતાની પ્રતિક્રિયા આપતા 30 થી 50 ટકા સ્ટાઇપેન્ડ વધારવાની જાહેરાત કરી છે. આ સાથે જ કર્ણાટક એસોસિએશન ઓફ રેજિડેન્ટ ડૉક્ટર્સે સરકારના આ નવી અધિસૂચનાનુ સ્વાગત કર્યુ છે.



રાજ્યમાં ચિકિત્સા શિક્ષા મંત્રી ડૉ. કે કે સુધાકરે કહ્યું કે રેજિડેન્ટ ડૉક્ટર્સ માટે સ્ટાઇપેન્ડને 20,000 રૂપિયાથી વધારીને 30,000 પ્રતિ માસ કરી દીધુ છે. વળી, સ્નાતકોત્તર મેડિકલ વિદ્યાર્થીઓ માટે, સ્ટાઇપેન્ડ 45 હજાર, 55 હજાર અને 65 હજાર રૂપિયા પ્રતિ માસ સુધી વધારવામાં આવ્યુ છે. વળી સુપર સ્પેશ્યાલિટી રેજિડેન્ટ ડૉક્ટો માટે સ્ટાઇપેન્ડ 10 હજાર રૂપિયાથી વધારે કરી દેવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે આ સ્ટાઇપેન્ડ લગભગ પાંચ વર્ષ પહેલા સંશોધિત કરવામાં આવ્યુ હતુ, અને ડૉક્ટર્સ એસોસિએશન ચૂકવણીની રકમમાં વધારો કરવા માટે આંદોલન કરી ચૂક્યા છે.