નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે દુકાનો ખોલવાને લઇને લોકોનાં જે ભ્રમ ફેલાયો છે તેને દૂર કરવાનો સરકારે પ્રયાસ કર્યો છે. જેમાં સલૂન, પાર્લર અને દારૂની દુકાનો ખુલશે તેવી આશા રાખી રહેલા લોકોને નિરાશા હાથ લાગી છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે જરૂરી સામાનની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. વાસ્તવમાં ગઇકાલે રાત્રે સરકારે આદેશ આપ્યો હતો કે હોટસ્પોટને છોડીને અન્ય સ્થળો પર તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવે છે. જેમાં દુકાનોને રજિસ્ટર હોવાની શરતો રાખવામાં આવી હતી. આ આદેશ બાદ લોકોમાં અનેક ભ્રમથી સ્થિતિ પેદા થઇ હતી.







સલૂનનો ઉલ્લેખ કરતા ગૃહ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યુ કે, સલૂન સર્વિસ આપે છે. હાલમાં એવી દુકાનોને છૂટ આપવામાં આવી છે કોઇ સામાન વેચે છે. સાથે તેમણે કહ્યું કે, તમામ રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. ગ્રામીણ વિસ્તારોમાં તમામ દુકાનો ખુલ્લી રહેશે. જોકે, મોલ્સને મંજૂરી આપવામાં આવી નથી.



શહેરી વિસ્તારોમાં તમામ સ્ટેન્ડઅલોન શોપ્સ, રહેણાંક વિસ્તારોમાં નજીકની દુકાનો, રેસિડેન્સિયલ કોમ્પ્લેક્સોની અંદર સ્થિત દુકાનો ખોલવાની મંજૂરી છે. શોપિંગ માર્કેટ, માર્કેટ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ્સને મંજૂરી આપવામાં આવી નથી. જોકે હોટસ્પોટ વિસ્તારોમાં દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.