Taj Mahal Case Update: હાલ બંધ હાલતમાં રહેલા તાજમહેલના 22 રુમ ખોલવા માટે કરવામાં આવેલી જનહિત અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં તાજમહેલના 22 રૂમની તપાસ અંગે ચાલી રહેલી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.


હાલ અયોધ્યામાં રહેતા અને ભાજપના કાર્યકર ડૉક્ટર રજનીશ સિંહે હાઈકોર્ટની લખનઉ બેંચમાં આ અરજી દાખલ કરી હતી. તાજમહેલને લગતી રિટ અરજી દ્વારા અરજદારે 22 બંધ રૂમ ખોલવા અને તેની તપાસ કરાવવાની અપીલ કરી હતી.


અરજદારને ઠપકો આપ્યોઃ
તાજમહેલ વિવાદ અંગે કડક વલણ અપનાવતા હાઈકોર્ટે અરજદારની જાટકણી કાઢી હતી. જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજદારને ઠપકો આપતા કહ્યું કે, પીઆઈએલ સિસ્ટમનો દુરુપયોગ ના થવો જોઈએ. જાઓ અને તાજમહેલ કોણે બાંધ્યો તે વિશે સંશોધન કરો. હાઈકોર્ટે કહ્યું કે, યુનિવર્સિટીમાં જાઓ, પીએચડી કરો, પછી કોર્ટમાં આવજો.


પહેલાં ઈતિહાસ ભણો પછી આવોઃ
હાઈકોર્ટે કહ્યું કે, જો કોઈ તમને સંશોધન કરતા રોકે છે તો અમારી પાસે આવો. જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજદારને પૂછ્યું કે, શું ઈતિહાસ તમારા અનુસાર વાંચવામાં આવશે.'તાજમહેલ ક્યારે બંધાયો, કોણે બંધાવ્યો, તેના વિશે પહેલા વાંચો.' જસ્ટિસ ઉપાધ્યાયે કોર્ટરૂમમાં અરજી કર્તા રજનીશ સિંહ પર સવાલોનો મારો ચલાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, તાજમહેલનો આ મુદ્દો ન્યાયિક મુદ્દો નથી, પરંતુ ચર્ચાનો વિષય છે.


અરજદાર સુપ્રીમ કોર્ટમાં જશેઃ
બેન્ચે કહ્યું કે, ન્યાયાધીશ આ મામલે કોઈ નિર્ણય નહીં લે. પરંતુ ઈતિહાસકાર/શૈક્ષણિક વિદ્વાનોએ તેનો અભ્યાસ કરવો જોઈએ. કોર્ટે અરજી ફગાવ્યા બાદ અરજદાર રજનીશ સિંહે કહ્યું કે, તે સંશોધન અંગે હિસ્ટ્રી એકેડમી અને ASIને પત્ર લખશે. તેમણે કહ્યું કે, હવે હું પહેલા વિભાગોને પત્ર લખીશ, પછી સુપ્રીમ કોર્ટમાં જઈશ.


આ પણ વાંચોઃ


ગુજરાતમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા મુદ્દે રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો વિગત