Gujarat Riots Documentary : ગુજરાત રમખાણોને લઈ પીએમ મોદી પર બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીનો વિરોધ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. હવે ભારતના જ નિવૃત્ત જજ સહિત સંખ્યાબંધ અમલદારોએ બીબીસી વિરૂદ્ધ બુંગીયો ફુંક્યો છે. સાથે જ તેમને બીબીસીને બરાબરનું મોં પર જ ચોપડાવી દીધું છે. સાથે જ આ અધિકારીઓ-જજોએ 


દેશના નિવૃત્ત ન્યાયાધીશો, નિવૃત્ત અમલદારો અને ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓએ આ ડોક્યુમેન્ટ્રી અંગે બીબીસીને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, બીબીસીની 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' ડોક્યુમેન્ટ્રી બ્રિટિશ સામ્રાજ્યના ભ્રમના પુનરુત્થાનનો પુરાવો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પણ હવે નહીં, અમારા નેતા સાથે કે ભારત સાથે નહીં. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ ડોક્યુમેન્ટ્રીમાં બીબીસીનો ભારત પ્રત્યેનો પક્ષપાત અને નકારાત્મક વિચાર દેખાઈ રહ્યો છે. આ પત્ર પર 302 લોકોની સહી છે. તેમાં 13 નિવૃત્ત ન્યાયાધીશો, 133 નિવૃત્ત અમલદારો (22 રાજદૂત) અને 156 સશસ્ત્ર દળોના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પત્રના સંયોજકો ભૂતપૂર્વ RAW ચીફ સંજીવ ત્રિપાઠી અને ભૂતપૂર્વ રાજદૂત બી.કે. મુખર્જી છે. 


ભ્રામક અને એકતરફી રિપોર્ટિંગ


પત્રમાં બીબીસી સિરીઝ અંગે કહેવામાં આવ્યું છે કે, તે માત્ર ભ્રામક અને સ્પષ્ટ રીતે એકતરફી રિપોર્ટિંગ નથી, પરંતુ તે સ્વતંત્ર, લોકશાહી રાષ્ટ્ર તરીકે ભારતના અસ્તિત્વના 75 વર્ષ જૂના આધાર પર અનેક પાયાના પ્રશ્નો પણ ઉભા કરે છે. જે દેશ લોકોની ઈચ્છા પ્રમાણે કામ કરે છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રેણીમાં સ્પષ્ટ તથ્યલક્ષી ભૂલો ઉપરાંત 'કથિત રીતે' શબ્દનો વારંવાર ઉપયોગ (તથ્યલક્ષી નથી) કરવામાં જે આવ્યો છે. ડોક્યુમેન્ટ્રીમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ ધ્યાનમાં લેવામાં નથી આવ્યો.


ભારતે વિરોધ નોંધાવ્યો


ભારતે 2002ના ગુજરાત રમખાણો પરની બીબીસીની ડોક્યુમેન્ટરીને દુષ્પ્રચારનો એક ભાગ' ગણાવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, તેમાં પક્ષપાત છે, ઉદ્દેશ્યનો અભાવ છે. ઉપરાંત, તેમાં ઉપનિવેશક માનસિકતા સ્પષ્ટપણે દેખાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, તે ચોક્કસ 'ખોટી કથા'ને આગળ ધપાવવા માટેના ખોટા અભિયાનનો એક ભાગ છે. બાગચીએ કહ્યું હતું કે, આ અમને એ કવાયતના હેતુ અને તેની પાછળના એજન્ડા વિશે વિચારવા મજબૂર કરે છે.


બીબીસી દ્વારા ખુલાસો આપવામાં આવ્યો


ભારતના વિરોધ બાદ બીબીસી દ્વારા આ ડોક્યુમેન્ટરી અંગે સ્પષ્ટતા જારી કરવામાં આવી હતી. બીબીસીએ કહ્યું હતું કે, આ ડોક્યુમેન્ટ્રી ખૂબ સંશોધન કર્યા બાદ બનાવવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્રીમાં મહત્વના મુદ્દાઓને ઉદ્દેશ્યપૂર્વક રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીબીસીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડોક્યુમેન્ટરીમાં ઉચ્ચતમ સંપાદકીય ધોરણો પર સંપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું હતું. પ્રવક્તાએ કહ્યું હતું કે, આ માટે લોકો, સાક્ષીઓ અને વિવિધ અભિપ્રાય ધરાવતા નિષ્ણાતોનો સંપર્ક કરવામાં આવ્યો છે.


બ્રિટિશ PMએ મોદીનો બચાવ કર્યો 


બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી પર બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બચાવમાં આવ્યા છે. બીબીસીની એક ડોક્યુમેન્ટરીમાં દાવો કરવામાં આવ્યો છે કે, બ્રિટિશ સરકાર 2002ના ગુજરાત રમખાણોમાં ભારતીય નેતાની કથિત ભૂમિકા વિશે જાણતી હતી. સુનકને પૂછવામાં આવ્યું હતું કે, શું તે બીબીસીની ડોક્યુમેન્ટ્રીમાં કરવામાં આવેલા દાવા સાથે સહમત છે? આ દાવાઓમાં કહેવામાં આવ્યું છે કે, યુકેના વિદેશ કાર્યાલયના કેટલાક રાજદ્વારીઓ જાણતા હતા કે 'તે સમયે નરેન્દ્ર મોદી સીધા જ જવાબદાર હતા'. આ સવાલના જવાબમાં સુનકે કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાની મૂળના વિપક્ષી લેબર પાર્ટીના સાંસદ ઈમરાન હુસૈન દ્વારા વડાપ્રધાન મોદીના પાત્રાલેખન સાથે સહમત નથી.