Obscene Video Case: અત્યારે દેશમાં સૌથી ચર્ચિત પ્રજ્વલ રેવન્ના મામલાને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. કર્ણાટકના ચર્ચિત અશ્લીલ વીડિયો કૌભાંડના આરોપી અને હસન સાંસદ પ્રજ્વલ રેવન્નાએ બેંગલુરું સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી દાખલ કરી છે. પ્રજ્વલની જામીન અરજી તેની માતા ભવાની રેવન્ના વતી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.


યૌન શોષણના આરોપોથી ઘેરાયેલા પ્રજ્વલ રેવન્ના 31 મેના રોજ બેંગલુરુ પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રજ્વલનું પ્લેન સવારે 8 વાગ્યે બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ થશે. રેવન્ના એરપોર્ટ પર પહોંચતાની સાથે જ આ કેસની તપાસ માટે રચાયેલી SIT તેની ધરપકડ કરશે.


આરોપોથી હાસન સાંસદે ફરી કર્યો ઇનકાર 
પ્રજ્વલ રેવન્નાએ 27 મેના રોજ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું હતું કે તે 31 મેના રોજ દેશ પરત ફરશે. તેણે એક વખત અશ્લીલ વીડિયો સ્કેન્ડલને પોતાની વિરુદ્ધ રાજકીય કાવતરું ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે વિદેશ જવાની સાથે જ આ બાબતને લઈને હોબાળો મચી ગયો હતો, જ્યારે 26 એપ્રિલે મતદાનના દિવસે આ અંગે કોઈ ચર્ચા થઈ ન હતી.


પ્રજ્વલએ બતાવી દીધી ભારત પરત આવવાની તારીખ 
સસ્પેન્ડેડ જેડીએસ સાંસદ પ્રજવાલે એક વીડિયો સંદેશમાં કહ્યું, "જ્યારે 26 એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે મારી વિરુદ્ધ કોઈ કેસ નહોતો અને કોઈ SITની રચના કરવામાં આવી ન હતી. મારી વિદેશ યાત્રાનું આયોજન પહેલેથી જ હતું. મારી મુલાકાત દરમિયાન લગાવવામાં આવી રહેલા આરોપો વિશે મને ખબર પડી.


'મારી વિરૂદ્ધ રચવામાં આવ્યું રાજકીય કાવતરું'
તેમણે કહ્યું, “રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓએ આ વિશે વાત કરવાનું શરૂ કર્યું અને મારી વિરુદ્ધ રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું. શુક્રવાર 31મી મેના રોજ સવારે 10 વાગ્યે હું SIT સમક્ષ હાજર થઈશ અને તપાસ સાથે જોડાયેલી તમામ માહિતી આપીશ. હું તપાસને સમર્થન આપીશ. મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે."