Revanth Reddy Oath Ceremony: ચાર દિવસની ખેંચતાણ બાદ રેવંત રેડ્ડીએ આખરે ગુરુવારે (7 ડિસેમ્બર) તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને લાખો લોકોની હાજરીમાં રેવંત રેડ્ડીને શપથ લેવડાવ્યા હતા. લોકોએ આ ખાસ પ્રસંગની ખૂબ જ ઉજવણી કરી.

Continues below advertisement


રેવંત રેડ્ડીની સાથે મલ્લુ ભટ્ટી વિક્રમાર્કએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ ઉપરાંત નલમદા ઉત્તમ કુમાર રેડ્ડી, સી. દામોદર રાજનરસિમ્હા, કોમાટિરેડ્ડી વેંકટ રેડ્ડી, ડુડિલ્લા શ્રીધર બાબુ, પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, પોન્નમ પ્રભાકર, કોંડા સુરેખા, ડી. અનસૂયા સીતાક્કા, તુમ્મલા નાગેશ્વર રાવ, જુપલ્લી કૃષ્ણ રાવ, ગદ્દામ પ્રસાદ કુમારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.


શપથ ગ્રહણ સમારોહમાં કોણે હાજરી આપી હતી?


શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષ (CPP) અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, દીપેન્દ્ર હુડ્ડા જેવા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ સિવાય કોંગ્રેસના અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર હાજર રહ્યા હતા. 



રેવંતના નામ પર બે દિવસ પહેલા જ મહોર લગાવવામાં આવી હતી


તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મુખ્યમંત્રી પદની રેસમાં ઘણા નામ સામે આવ્યા હતા. અચાનક સમાચાર આવ્યા કે રેવંત રેડ્ડી રાજ્યના સીએમ બનશે અને તેઓ સોમવારે સાંજે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પછી પાર્ટીના કેટલાક નેતાઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું અને શપથ ગ્રહણ સમારોહ રદ કરવો પડ્યો. આ પછી પાર્ટીના હાઈકમાન્ડે દિલ્હીમાં રેવંત રેડ્ડીના નામની જાહેરાત કરી. જણાવવામાં આવી રહ્યું છે કે છ વખત ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એન. ઉત્તમ કુમાર રેડ્ડી અને મલ્લુ ભટ્ટી વિક્રમાર્કે રેવંત રેડ્ડીનો વિરોધ કર્યો હતો.


રેવંત કોંગ્રેસના પ્રચારનો ચહેરો હતા


રેવંત વિરોધીઓએ તેમને સીએમ બનતા રોકવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પક્ષના ટોચના નેતાઓની પ્રથમ પસંદગી રહ્યા. વાસ્તવમાં, તેલંગાણામાં ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા અને પછી પણ તેઓ BRS વિરુદ્ધ કોંગ્રેસના અભિયાનનો ચહેરો રહ્યા હતા. 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 119માંથી 64 બેઠકો જીતી છે.