ન્યૂયોર્કઃ કોરોના વાયરસે અમેરિકામાં કહેર વર્તાવ્યો છે. અમેરિકામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વિરુદ્ધ વિરોધ શરૂ થઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ રિપબ્લિકનના સાંસદ રિક સ્કોટે  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ભૂમિકા પર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેને આપવામાં આવતા ફંડમાં ઘટાડો કરવાની માંગ કરી છે. અમેરિકા શરૂઆતથી ચીન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર વાયરસ સંબંધિત જાણકારી છૂપાવવાનો આરોપ લગાવતું રહ્યું છે. સ્કોટનો આરોપ છે કે અમેરિકાના ફંડનો ઉપયોગ ડબલ્યૂએચઓ કમ્યુનિસ્ટ ચીનના બચાવમાં કરી રહ્યું છે. તેમણે અમેરિકન સંસદ સમક્ષ  કોરોના વાયરસ સામે લડવામાં ડબલ્યૂએચઓની ભૂમિકાની તપાસ કરવાની માંગ કરી છે.

ફ્લોરિડાથી રિપબ્લિકન સેનેટર રિક સ્કોટે અમેરિકન કોગ્રેસને અપીલ કરી હતી કે તે કોરોના વાયરસ સામે લડવા ડબલ્યૂએચઓની કામગીરીની તપાસ કરે. સાથે ભલામણ કરી હતી કે અમેરિકા તરફથી ડબલ્યૂએચઓનો આપવામાં આવતી ફંડિંગમાં પણ કાપ કરવામાં આવે કારણ કે આ કોરોના  વાયરસ પર કમ્યુનિસ્ટ ચીનના બચાવમાં લાગી છે.

સ્કોટે કહ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કામ તમામ સ્વાસ્થ્યની સુચનાઓ દુનિયાને આપવાનું છે જેથી તમામ દેશ પોતાના નાગરિકોને સુરક્ષિત રાખી શકે જ્યારે કોરોના વાયરસના મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અસફળ રહ્યું છે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઇને ભ્રામક જાણકારીઓ ફેલાવી છે.