પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા RJDને મોટો ફટકો લાગ્યો છે. લાલુ પ્રસાદ યાદવની આરજેડીના પાંચ MLC જેડીયૂમાં સામેલ થઈ ગયા છે. આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદ સિંહે પદ પરથી રાજીનામાની જાહેરાત કરી છે. જોકે તેમણે હજુ સુધી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી. રઘુવંશ સિંહના નજીકના વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, પાર્ટીમાં ચાલી રહેલી ગતિવિધિથી નારાજ છે.

આરજેડી છોડનારા એમએલસીમાં સંજય પ્રસાદ, કમરે આલમ, રાધાચરણ સેઠ, રણવિજય સિંહ અને દિલીપ રાયના નામ સામેલ છે. આ બધા પહેલાંથી જ તેજસ્વી યાદવ અને પાર્ટી સામે નિવેદનબાજી કરતા આવ્યા છે. થોડા દિવસો પહલા બિહાર સરકારના મંત્રી અને જેડીયૂ નેતા અશોક ચૌધરીએ દાવો કર્યો હતો કે આરજેડીના કેટલાક ધારાસભ્યો પક્ષ પલટો કરવાની તૈયારીમાં છે.


આરજેડી છોડનારા પાંચ એમએલસીએ જેડીયૂનો હાથ પકડ્યા બાદ હજુ પણ અનેક નારાજ ધારાસભ્યો આરજેડી છોડશે તેમ કહેવામાં આવી રહ્યું છે. આરજેડી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનો ગત સપ્તાહે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તાવ અને ખાંસીની ફરિયાદ પર તેમને પટના એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરજેડીના સીનિયર નેતા રઘુવંશ પ્રસાદ સિંહની ઉંમર 74 વર્ષ છે.

બિહાર બીજેપીના નેતા સુશીલ કુમાર મોદી પહેલા જ કહી ચુક્યા છે કે રઘુવંશ સારા વ્યક્તિ છે પરંતુ ખોટી પાર્ટીમાં છે. સુશીલ મોદી ઘણા સમય પહેલા જ રઘુવંશ પ્રસાદ સિંહને એનડીએમાં સામેલ થવાનું આમંત્રણ આપી ચુક્યા છે.