Uttar Pradesh : ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોળા દિવસે એક બેંક લૂંટી લેવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ગાઝિયાબાદમાં છેલ્લા 5 દિવસમાં આ બીજી લૂંટની ઘટના છે, આ લૂંટ PNB બેંકમાં બપોરે કરવામાં આવી હતી અને લૂંટની આ ઘટના નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના નૂરપુર ગામની છે, જ્યાં લગભગ 4 બદમાશો આવ્યા હતા. હથિયારોથી સજ્જ બદમાશોએ હથિયારના જોરે બેંકના કેશિયર અને અન્ય બે કર્મચારીઓને લૂંટી લીધા હતા અને તેમની પાસેથી આશરે 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.


આ ઘટનાને લગતો એક સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બદમાશો મોટરસાયકલ પર જતા જોવા મળી રહ્યા છે, નોંધનીય બાબત એ છે કે મોટરસાઈકલ પર કોઈ નંબર નહોતો અને તમામ બાઇક સવાર બદમાશોએ હેલ્મેટ પહેરેલું હતું, જ્યારે  આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારે બેંકમાં 3 કર્મચારી અને બે ગ્રાહકો હાજર હતા, હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.


 


 


આઈજી પ્રવીણ કુમારે આ માહિતી  આપી


ઘટનાસ્થળ પર પહોંચેલા આઈજી પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ બેંક પાસે સુરક્ષા સુવિધાઓ નથી. આ  પહેલા પોલીસ દ્વારા બેંકને લેખિતમાં સુરક્ષા અંગે જાણ કરવામાં આવી હતી. તેમ છતાં બેન્ક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પોલીસ બેંક લૂંટના પૈસાની ગણતરી કરી રહી છે, કેશિયર પાસેથી અંદાજે 8 થી 10 લાખ રૂપિયા પડાવી લેવાયા છે, પોલીસે અત્યાર સુધીમાં તમામ પુરાવા એકત્ર કર્યા છે, બેંકની બેદરકારીને ગુનાહિત જવાબદારી તરીકે પણ જોવામાં આવી શકે છે.


પાંચ દિવસ પહેલા પેટ્રોલ પંપ પર લૂંટ 


ગાઝિયાબાદમાં પાંચ દિવસ પહેલા એક પેટ્રોલ પંપ પર લાખો રૂપિયાની લૂંટ થઇ હતી. મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવિંદપૂર રોડ નંબર 3 પર આવેલા પેટ્રોલ પંપ પર લૂંટારૂઓએ હથિયાર બતાવી અંદાજે 25 લાખ રૂપિયાની લૂંટ કરી હતી.