નવી દિલ્હી: કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રા સક્રીય રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. એબીપી ન્યૂઝે જ્યારે રોબર્ટ વાડ્રાને પુછ્યું કે શું તમે સક્રીય રાજકારણમાં સામેલ થઈ શકો છો? જેના જવાબમાં તેમણે કહ્યું, જો હું બદલાવ લાવી શકું છું તો કેમ નહી. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીએ આ વર્ષ 23 જાન્યુઆરીએ રાજકારણમાં ઝંપલાવ્યું છે. કૉંગ્રેસે તેમને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રબારી બનાવ્યા છે.


રોબર્ટ વાડ્રાએ કહ્યું, મારે માત્ર દેશના લોકોની મદદ કરવા માટે રાજકારણમાં ન હોવું જોઈએ, પરંતુ જો હું તેમા સામેલ થઈ એક મોટો બદલાવ લાવી શકુ છું તો કેમ નહી. તેમણે કહ્યું, રાજકારણમાં આવવાનો નિર્ણય લોકો કરશે. મને લાગે છે કે મારે લોકોની સેવા કરવા માટે એક મોટી ભૂમિકા સમર્પિત કરવી જોઈએ.

હાલ વાડ્રા મની લોન્ડ્રિંગ અને ગેરકાયદેસર રીતે જમીન ખરીદવા જેવાં મામલે EDની તપાસનો સામનો કરી રહ્યાં છે. 49 વર્ષના વાડ્રાનો આરોપ છે કે દેશની પ્રવર્તમાન સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવા માટે મોદી સરકાર તેમના પર નિશાન સાધી રહી છે.