મુંબઇઃ સંઘના વડા મોહન ભાગવતે શ્રી સત્ય સાંઈ યુનિવર્સિટી ફોર હ્યુમન એક્સેલન્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધન કરતા તેમણે ઘણા મુદ્દાઓ પર વિગતવાર વાત કરી હતી. તેમણે ધર્મ પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે સિવાય મોહન ભાગવતે દેશની વસ્તી પર પણ મોટું નિવેદન આપ્યું છે.




મોહન ભગતે સ્પષ્ટ કહ્યું હતું કે જીવિત રહેવું એ જીવનનું લક્ષ્ય ન હોવું જોઈએ. મનુષ્યની ઘણી ફરજો છે, જે તેણે સમયાંતરે નિભાવતા રહેવું જોઈએ. આ અંગે તેમણે કહ્યું હતુ કે ખોરાક અને વસ્તી વધારવી એ કામ તો પ્રાણીઓ પણ કરે છે. શક્તિશાળી વ્યક્તિ જીવિત રહેશે, એ જંગલનો નિયમ છે. જ્યારે શક્તિશાળી લોકો બીજાની રક્ષા કરવાનુ શરૂ કરશે એ માણસની નિશાની છે.




ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં વધતી વસ્તીને લઇને ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં જ યુએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં ભારત ચીનને પાછળ છોડી દેશે. હવે આ દરમિયાન મોહન ભાગવતનું આ નિવેદન મહત્ત્વનું છે. પોતાના સંબોધનમાં તેમણે વધતી જતી વસ્તી પર સીધું કંઈ ન કહ્યું પરંતુ પશુ અને માનવ વચ્ચેનો તફાવત જણાવતો મોટો સંદેશ આપ્યો હતો.


જો કે, સમારોહમાં સંઘ પ્રમુખે ભારતના વિકાસ પર પણ ઘણી વાતો કરી હતી. . તેમના મતે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશે ઘણી પ્રગતિ કરી છે, ઘણો વિકાસ જોયો છે. સંઘના વડાએ એ વાત પર પણ ભાર મુક્યો હતો કે અત્યારે જે વિકાસ જોવા મળી રહ્યો છે, તેનો પાયો 1857માં નાખવામાં આવ્યો હતો અને બાદમાં વિવેકાનંદે પોતાના સિદ્ધાંતો સાથે તેને આગળ ધપાવ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે ભાગવતનું માનવું છે કે વિજ્ઞાન અને બહારની દુનિયાના અભ્યાસ વચ્ચે સંતુલનનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જો તમારી ભાષા અલગ હોય તો વિવાદ થાય છે. જો તમારો ધર્મ જુદો હોય તો વિવાદ  છે. તમારો દેશ બીજો હોય તો પણ વિવાદ છે. પર્યાવરણ અને વિકાસ વચ્ચે હંમેશા વિવાદ રહ્યો છે. આવી સ્થિતિમાં, છેલ્લા 1000 વર્ષોમાં આ વિશ્વનો વિકાસ આવી જ રીતે થયો છે.