RSS Headquarters Security: મહારાષ્ટ્રના નાગપુરમાં સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય (RSS Headquarter)ની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવામાં આવી છે. CISFના જવાનોએ 1 સપ્ટેમ્બરના રોજ નાગપુરના મહલ વિસ્તારમાં સ્થિત RSSના મુખ્યાલય 'હેડગેવાર ભવન'ની સુરક્ષાની જવાબદારી લીધી હતી.
તમને જણાવી દઈએ કે, RSSનું મુખ્યાલય હંમેશાથી આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે. સંઘના મુખ્યાલયની સુરક્ષાને લઈને મળેલી ગુપ્ત માહિતીના આધારે તેની સુરક્ષામાં સમયાંતરે ફેરફાર કરવામાં આવે છે. જણાવી દઈએ કે RSS ચીફ મોહન ભાગવતને પણ સરકાર દ્વારા 'Z પ્લસ' કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે અને તેમની સુરક્ષાની જવાબદારી પણ CISFને સોંપવામાં આવી છે.
CISFના જવાનો દિવસ-રાત સુરક્ષામાં તૈનાત રહેશેઃ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાગપુરમાં RSS મુખ્યાલયની સુરક્ષા માટે CISF ટુકડી તૈનાત કરવામાં આવી છે. CISFની આ ટુકડી RSS હેડક્વાર્ટરની સુરક્ષામાં દિવસ-રાત ખંતપૂર્વક તૈનાત રહેશે. ઉલ્લેખનીય છે કે, સરસંઘચાલક મોહન ભાગવત અને આરએસએસના મુખ્યાલય પર વારંવાર આતંકી હુમલાનો ખતરો રહે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2006માં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓએ RSS હેડક્વાર્ટરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં તૈનાત પોલીસકર્મીઓએ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતો.
RSS હેડક્વાર્ટરની રેકી કરવામાં આવી હતી:
તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં પોલીસે RSS હેડક્વાર્ટરની જાસૂસીના સંબંધમાં કાશ્મીરમાંથી જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીએ RSS હેડક્વાર્ટરની રેકી કરી અને તેનો વીડિયો બનાવીને પાકિસ્તાનમાં બેઠેલા તેના એક હેન્ડલરને મોકલ્યો હતો. આ સિવાય આતંકવાદીએ ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની રેકી પણ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે નાગપુરમાં રેકી કરી હોવાની કબૂલાત કરી હતી. આ પછી, તેની સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.