નવી દિલ્હીઃ રામ મંદિર મામલા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સુપ્રીમ કોર્ટના આવનારા ચુકાદાનો ખુલ્લા મનથી સ્વીકાર કરવાની વાત કરી છે. આરએસએસે કહ્યું કે, આગામી દિવસોમાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવનાની સંભાવના છે. નિર્ણય જે પણ હોય તેને તમામ લોકો ખુલ્લા મનથી સ્વીકાર કરવો જોઇએ. નિર્ણય બાદ દેશભરમાં વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહે એ તમામનું  કર્તવ્ય છે. આ વિષય પર બેઠકમાં વિચાર થઇ રહ્યો છે.


સંગઠનના પ્રચાર પ્રમુખ અરુણ કુમારે કહ્યું કે 30 ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી હરિદ્ધારમાં પ્રચારક વર્ગ સાથે બે દિવસની બેઠક અગાઉથી નક્કી હતી. પરંતુ આ બેઠક કોઇ કારણોસર સ્થગિત કરી દેવામાં આવી છે પરંતુ બેઠક હરિદ્ધારના બદલે હવે દિલ્હીમાં યોજાઇ રહી છે. આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત અને ભૈયાજી જોશી હાજર છે.

નોધનીય છે કે અયોધ્યાના બાબરી મસ્જિદ-રામ મંદિર મામલા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઇ ચૂકી છે. આશા છે કે નવેમ્બરમાં જ આ મામલા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે. આરએસએસ અગાઉ તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતા સમાજ કઇ રીતે સતર્ક રહ્યો છે તેનું ઉદાહરણ સપ્ટેમ્બર 2010માં ઇલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાથી મળ્યો હતો.