નવી દિલ્લી: મારા ખાતામાં ૧પ લાખ રૂપિયા ક્યારે ટ્રાન્સફર થશે? એક વ્યકિતએ આરટીઆઇ અરજી દાખલ કરી આ સવાલ પુછ્યો છે. મુખ્ય માહિતી કમિશ્નર (સીઆઇસી)એ વડાપ્રધાન કાર્યાલયને આનો જવાબ આપવાના નિર્દેશો આપ્યા છે. અત્રે એ નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી ર૦૧૪ દરમિયાન કહ્યુ હતુ કે, વિદેશોમાં એટલુ કાળુ નાણુ જમા છે કે દરેક વ્યકિતના ખાતામાં ૧પ લાખ રૂપિયા જમા થઇ શકે છે. તેમણે કહ્યુ હતુ કે, કાળુ નાણુ વિદેશથી પરત લાવવામાં આવશે.
આ આરટીઆઇ અરજી રાજસ્થાનના ઝાલવર જિલ્લાના રહીશ કનહૈયાલાલે કરી છે. તેમણે પોતાની અરજીમાં અનેક સવાલો પુછ્યા છે. જેનો સંબંધ ર૦૧૪ની સામાન્ય ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના ભાષણો સાથે છે.
મુખ્ય માહિતી અધિકારી રાધાકૃષ્ણ માથુરે પીએમઓને મોકલેલા નિર્દેશમાં કહ્યુ છે કે અરજી કરનારે ઉલ્લેખ કર્યો છે કે, વડાપ્રધાને ચૂંટણીના સમયે જાહેરાત કરી હતી કે, કાળુ નાણુ ભારત લાવવામાં આવશે અને દરેક ગરીબ વ્યકિતના ખાતામાં ૧પ લાખ રૂપિયા જમા થશે. અરજી કરનાર જાણવા માંગે છે કે, પીએમ મોદીના એ વચનનું શું થયુ ?
સીઆઇસીએ ઉલ્લેખ કર્યો છે કે, કનહૈયાલાલની અરજીમાં એમ પણ પુછાયુ છે કે, વડાપ્રધાને ચૂંટણી દરમિયાન દેશમાંથી ભ્રષ્ટાચારને પણ નાબુદ કરવાનુ વચન આપ્યુ હતુ પરંતુ ભ્રષ્ટાચારમાં ઘટાડાને બદલે ૯૦ ટકા વધી ગયો છે. તે જાણવા ઇચ્છે છે કે, દેશમાંથી ભ્રષ્ટાચારને દુર કરવા માટે નવો કાયદો કયારે બનાવવામાં આવશે ?
કનહૈયાલાલે પોતાની અરજીમાં કહ્યુ છે કે, સરકારે જે કલ્યાણકારી સ્કીમોની જાહેરાત કરી છે એ બધી શ્રીમંતો અને મુડીપતિઓ સુધી સીમિત છે નહિ કે ગરીબો માટે. તેમણે એવો પણ સવાલ પુછયો છે કે, કોંગ્રેસની સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને રેલ્વે ટિકિટમાં જે છુટ આપવામાં આવી હતી શું તેને વર્તમાન સરકાર સમાપ્ત કરી દેશે ?
સીઆઇસી માથુરે કહ્યુ છે કે, પીએમઓ તરફથી હજુ સુધી આનો જવાબ નથી અપાયો. સુનાવણી દરમિયાન મોજુદ પીએમઓના અધિકારીઓએ કહ્યુ હતુ કે, અમને અરજી મળી નથી તેથી તે અંગે કોઇ ટિપ્પણી કરી શકીએ નહી.
માથુરે પોતાના આદેશમાં કહ્યુ છે કે, પ્રતિવાદીઓને આ આદેશમાં ૧પ દિવસની અંદર આ આરટીઆઇ અરજી પર ફરિયાદીને જવાબ મોકલવાનો નિર્દેશ અપાયો છે.