પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા CBIએ મોટું એક્શન લીધું છે. કોલસા કૌભાંડની તપાસના સિલસિલામાં CBIની ટીમ રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે પહોંચી. ટીમે અભિષેકની પત્ની રૂજીરા બેનર્જીને તપાસમાં જોડાવા માટે સમન આપ્યું છે. CBI પહેલા પણ રૂજીરાને નોટિસ આપી આપી હતી.


તપાસ એજન્સી પહેલાથી જ કોલસા કૌભાંડ કેસમાં અભિષેક બેનર્જીના ઘણા નજીકના સહયોગીઓ વિરુદ્ધ દરોડા પાડી રહી છે. 31 ડિસેમ્બર 2020 માં, તૃણમૂલ યુથ કોંગ્રેસના મહાસચિવ વિનય મિશ્રા વિરુદ્ધ પશુઓની હેરાફેરીના કેસમાં કોલકાતામાં એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કોલસા તસ્કરી અને ગેરકાયદે ખનન કેસમાં સીબીઆઇ સતત દરોડા કરી રહી છે. આ કેસમાં જયદેવ મંડલ અને ઘણા લાંબા સમયથી ફરાર અનૂપ માફિયાના ઠેકાણા પર પણ સીબીઆઇએ દરોડા પાડ્યા હતા.

રૂજિરા બેનર્જીને સીબીઆઈની નોટિસ મળ્યા બાદ ફરીથી તે ચર્ચામાં છે. તમને જણાવીએ કે, રૂજિરા બેનર્જી આ પેહલા પણ વિવાદમાં રહી છે. તેના પર સોનાની દાણચોરીનો આરોપ લાગ્યો હતો.

રૂજિારાનો જન્મ 1988માં કોલકાતમાં થયો હતો. તે અભિષેક બેનર્જીની પત્ની છે. રૂજિરાનો અભ્યાસ પશ્ચિમ બંગાળના કોલકાતમાં જ થયો છે. સ્કૂલિંગ બાદ તે આગળનો અભ્યાસ કરવા માટે જાદવપુર યૂનિવર્સિટી ગઈ હતી. રૂજિરા અને અભિષેકના લગ્ન 24 ફેબ્રુઆરી, 2014ના રોજ થયા હાત. અભિષેક અને રૂજિરાને બે દીકરી અને એક દીકરો છે.

2019માં લોકસભા ચૂંટણી પહેલા 15 માર્ચે રૂજિરાને કોલકાતા એરપોર્ટ પર બે કિલો સોના સાથે પકડવામાં આવી હતી. તેના પર આરોપ લાગ્યો હતો કે તે બેંકોકથી દાણચોરી કરીને સોનું લાવી છે. આરોપ છે કે કસ્ટમ અધિકારીઓએ તેને એરપોર્ટ પર રોકી તો પોલીસે કસ્ટમ અધિકારીઓને ધમકાવ્યા હતા. કસ્ટમ વિભાગે રૂજિરા વિરૂદ્ધ સમન્સ બહાર પાડ્યું હતું. સમન્સ રદ્દ કરવા માટે રૂજિરાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેના પર હાલમાં સોનાના દાણચોરીનો કેસ ચાલે છે.

અહીં જણાવી દઈએ કે કોલસાની દાણચોરી અને ગાયની દાણચોરીના મામલામાં તૃણમૂલ નેતા વિનય મિશ્રાને શોધી રહી છે. વિનય મિશ્રા વિશે કહેવાય છે કે તેઓ અભિષેકના નજીક હતા. હાલ વિનય ફરાર છે. તેમ જ કોલસા દાણચોરીના કેસમાં મુખ્ય આરોપી અનૂપ માળી ઉર્ફે લાલ પણ ફરાર છે.