નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મોટરસાઇકલ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે અનુસાર બાઇકના બંન્ને તરફ ડ્રાઇવરની સીટની પાછળ હેન્ડ હોલ્ડ હોવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ વાહનની પાછળ બેસનારા લોકોની સુરક્ષા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. તે સિવાય બાઇકના પાછળ બેસનારાઓ માટે બંન્ને તરફ ફૂટ્રેજને પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
ગાઇડલાઇન અનુસાર બાઇકના પાછળના પૈડાની ડાબી તરફ ઓછામાં ઓછું અડધો ભાગ સુરક્ષિત રીતે કવર હોવો જોઇએ. જેનાથી વાહનની પાછળ બેસનારના કપડા પૈડામાં ફસાવવાનો ખતરો ઓછો થઇ જશે. પરિવહન મંત્રાલયે બાઇકમાં ઓછા વજનના કન્ટેનર લગાવવા માટે પણ ગાઇડલાઇન જાહેર કરી છે. તે અનુસાર કન્ટેનરની લંબાઇ 550 મિમી, પહોળાઇ 510 મિમિ, અને ઉંચાઇ 500 મિમીથી વધુ ન હોવી જોઇએ. જો કન્ટેનરને પાછળની સવારીના સ્થાન પર લગાવવામાં આવે છે તો બીજો વ્યક્તિ તે બાઇક પર બેસી નહીં શકે.
બીજી તરફ સરકારે દેશભરમાં એકીકૃત સડક દુર્ઘટના ડેટાબેસ પરિયોજના તથા તેના સંબંધિત એપ બનાવવાની તૈયારીમાં છે. જેનાથી દુર્ઘટનાના આંકડાઓ તરત એકઠા કરવામાં મદદ મળશે. પરિવહન મંત્રાલયે કહ્યુ કે, તેમણે કર્ણાકટ અને ઉત્તર પ્રદેશના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં અધિકારીઓને આઇઆરએડી એપની ટ્રેનિંગ માટે કાર્યક્રમ આયોજીત કર્યો છે. હવે સૂચનોના આધાર પર આ એપમાં રાજ્ય સાથે સંબંધિત પરિવર્તન કરવામાં આવશે.
મંત્રાલયે કહ્યું કે, આઇઆરએડી એપને સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જરૂરિયાત અનુસાર વિકસિત કરવામાં આવશે અને જરૂરિયાત હોવા પર તેમાં ફેરફાર કરવામાં આવશે. હાલમાં આઇઆરએડી એપ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ઉપબલ્ધ છે અને જલદી તે આઇઓએસ જેવા અન્ય પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ રહેશે.
પરિવહન મંત્રાલયે કહ્યું કે, આઇઆરએડીને જલદી આખા દેશમાં લાગુ કરાશે. પ્રથમ તબક્કામાં આ યોજના છ રાજ્યોમાં લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે.