નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરી હતી. એક રિપોર્ટ અનુસાર, રશિયન રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી હતી. સાથે વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સમક્ષ ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે વડાપ્રધાન મોદીએ હિંસા છોડવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ મામલાને વાતચીત મારફતે ઉકેલવો જોઇએ.


વડાપ્રધાને અપીલ કરી હતી કે રશિયા અને નાટો જૂથ વચ્ચેના મતભેદોને ફક્ત પ્રામાણિક વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંસાનો તાત્કાલિક અંત લાવવા હાકલ કરી હતી અને તમામ પક્ષોને રાજદ્વારી વાતચીતના માર્ગ પર પાછા ફરવા માટે નક્કર પ્રયાસો કરવા હાકલ કરી હતી.






વડાપ્રધાને યુક્રેનમાં ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓની સલામતી અંગેની ભારતની ચિંતાઓ વિશે પણ રશિયન રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારત તેમના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અને ભારતમાં પાછા લાવવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. બંને નેતાઓ સહમત થયા હતા કે તેમના અધિકારીઓ અને રાજદ્વારી ટીમો  હિતના મુદ્દાઓ પર નિયમિત સંપર્ક જાળવી રાખશે.






રશિયાના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની વાતચીત પહેલા વિદેશ સચિવ હર્ષ શ્રિંગલાએ કહ્યું કે યુક્રેનમાં ભારતીયોની સુરક્ષા પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો પોલેન્ડ થઈને પરત ફરી શકશે.


આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી (CCS)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ.જયશંકર, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, અને NSA અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.