સચિન પાયલોટે ટ્વીટ કરીને કહ્યું કે, એ જેવું દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યોતિરાદિત્યએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. હું વિચારતો હતો કે પાર્ટીમાં વાતચીત દ્વારા વિવાદનું સમાધાન આવી શક્યું હોત. સચિન પાયલોટ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ જ્યોતિરાદિત્ય સિંધિયા પર ટિપ્પણી કરી હતી.
અશોક ગહલોતે સિંધિયાનું નામ લીધા વગર કહ્યું હતું કે, તકવાદી લોકો પહેલા જ ચાલ્યા ગયા હોત તો સારું રહેત. તેને કોંગ્રેસે 17-18 વર્ષમાં ઘણું આપ્યું છે. અલગ અલગ પદો પર રાખ્યા. સાંસદ બનાવ્યા, કેન્દ્રીય મંત્રી બનાવ્યા અને તક મળ્યે તકવાદી બની ગયા. તેને લોકો ક્યારેય માફ નહીં કરે.
તો કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મલ્લિકાર્જુન ખડગેએ સિંધિયાનાં પાર્ટી છોડવા પર કહ્યું હતું, ‘લાભ અને નુકસાન બધાની જિંદગીમાં ચાલતા રહે છે. તમે 4 વખત સાંસદ રહી ચુક્યા છો. તમને ઘણા મહત્વપૂર્ણ પદોની જવાબદારી આપવામાં આવી છે, તેથી પાર્ટી છોડવી યોગ્ય નથી, પરંતુ તેમણે વાત ન સાંભળી અને પોતાના હિતો માટે પાર્ટી છોડી દીધી.’
જ્યોતિરાદિત્ય સિંધિયા વિશે સંસદ ભવનથી બહાર નીકળતા રાહુલ ગાંધીએ પત્રકારોને અનૌપચારિક વાતચીતમાં કહ્યું કે, “જ્યોતિરાદિત્ય સિંધિયા એકમાત્ર એવા નેતા હતા જે મારા ઘરે ગમે ત્યારે આવી શકતા હતા. તેઓ કોલેજથી મારા મિત્ર હતા.”
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશનાં કદ્દાવર નેતા અને પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ સિંધિયાને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીની સદસ્યતા આપી હતી.