લખનઉઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થયેલી હિંસાના આરોપીઓના પોસ્ટર હટાવવા સંબંધિત અલાહાબાદ હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ ઉત્તર પ્રદેશની યોગી સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે. ઉત્તર પ્રદેશની સરકારની અરજી પર ગુરુવારે સવારે સાડા 10 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

ઉત્તર પ્રદેશના એડવોકેટ જનરલ રાઘવેન્દ્ર સિંહે કહ્યુ કે, ઉત્તર પ્રદેશ સરકારે અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. લખનઉ વહીવટીતંત્રએ હિંસાના 57 આરોપીઓની તસવીરો  શહેરના મહત્વના ચોક પર લગાવી હતી. અલાહાબાદ હાઇકોર્ટે મામલાને ધ્યાનમાં લેતા સુનાવણી કરી હતી અને તે પોસ્ટરો હટાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે તેને વ્યક્તિગત આઝાદીનો ભંગ ગણાવ્યો હતો.

છેલ્લા વર્ષે 19 ડિસેમ્બરના રોજ લખનઉમાં સીએએ વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શન મામલામાં પોલીસે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરી હતી અને તેમાંથી 57 લોકો  વિરુદ્ધ સંપત્તિના નુકસાનની ભરપાઇ કરવા માટેની નોટિસ મોકલી હતી.