આતંકવાદના ખોટા આરોપોમાં મુસ્લિમોને ફસાવવા ચિંતાજનક: કાયદા મંત્રી
abpasmita.in | 01 Jun 2016 09:29 AM (IST)
નવી દિલ્હી: મુસ્લિમ સમુદાય જે વાતને લઈને સતત ચિંતામાં રહે છે તે મુદ્દા ઉપર હવે સરકારનું ધ્યાન ગયું છે. કેંદ્રીય કાયદા અને ન્યાય મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ મંગળવારે કહ્યું છે કે મુસલમાનોને આતંકવાદના ખોટા આરોપમાં ફસાવવા ચિંતાની વાત છે. તેમને કહ્યું હતું કે, મુસ્લિમ યુવાનો સામે આતંકવાદના ખોટા કેસ લગાવવાના વાતને લઈને તે ચિંતિત છે અને બાદમાં પુરાવાઓ ન હોવાના કારણે તેમને મુક્ત કરી દેવામાં આવે છે. સાથે તેમને કહ્યું હતું કે, આવા મામલામાં લીગલ રિફૉર્મ્સની જરૂર છે. મોદી સરકારના બે વર્ષ પુરા થવા બદલ આખા દેશમાં મનાવવામાં આવી રહેલ વિકાસ પર્વમાં ભાગ લેવા માટે અલીગઢ આવેલા હતા. આ કાર્યક્રમમાં જ્યારે તેમને મુસ્લિમ યુવાનો પર આતંકવાદનો ખોટો આરોપ લગાવવાને લઈને અને તેમના છૂટકારા પછી તેમના સામે આવનાર સમસ્યાઓ વિશે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમને જણાવ્યું હતું કે, આતંકવાદના ખોટા આરોપના આધારે મુસ્લિમ યુવાનોની ધરપકડ કરવી ચિંતાનો વિષય છે. તેના વિશે ફેરફાર કરવાનું વિચારી રહ્યા છીએ. લૉ કમિશન આ મામલે કાયદાકીય પ્રક્રિયામાં બદલાવ લાવવા માટે એક રિપોર્ટ તૈયાર કરી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના જજના નેતૃત્વમાં આ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેની સાથે કાયદાકીય વિશેષજ્ઞો પણ રિપોર્ટ બનાવવા માટે મદદ કરી રહ્યા છે.