નવી દિલ્હીઃ દેશમાં હાલમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ પક્ષ પોતાની રીતે મતદારોને આકર્ષવા માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે ગાંધી પરિવારના નજીકના વ્યક્તિ અને ઇન્ડિયન ઓવરસીઝ કોગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ પુલવામા હુમલાને લઇને નિવેદન આપ્યું છે. એટલું જ નહી તેમણે પુલવામા  હુમલા બાદ ભારતીય એરફોર્સે કરેલી એરસ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવ્યા છે. પિત્રોડાએ કહ્યું કે, પુલવામા હુમલા માટે આખા પાકિસ્તાન પર આરોપ લગાવવો યોગ્ય નથી. સાથે તેમણે મુંબઇ હુમલા માટે આખા પાકિસ્તાનને દોષિત ઠેરવવું યોગ્ય નથી તેવું પણ કહ્યું હતું.


નોંધનીય છે કે  14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ફેલાયો ગયો અને સરકાર પર કાર્યવાહીનું દબાણ હતું. હુમલાના જવાબમાં ભારતીય સૈન્યએ પીઓકેમાં બાલાકોટમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ ધ્વસ્ત કરી દીધા હતા.


ગાંધી પરિવારના નજીકના મનાતા સામ પિત્રોડાએ એરસ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, મે ન્યૂયોર્ક ટાઇમ્સ અને અન્ય ન્યૂઝપેપર્સમાં છપાયેલા રિપોર્ટ અંગે વધુ જાણવા માંગુ છું. હું વાસ્તવમાં હુમલો કરવામાં આવ્યો હતો? આપણે ખરેખર 300 લોકોને માર્યા છે? મોદી સરકારને ઘેરતા પિત્રોડાએ કહ્યું કે, જો તમે કહેતા હોય કે 300 લોકો માર્યા ગયા છે તો તમામ ભારતીયોને આ અંગે જાણવાની જરૂર છે. વિશ્વ મીડિયામાં ‘કોઇ નથી મર્યું’ તેવા રિપોર્ટ આવતા ભારતીય નાગરિક તરીકે મને ખોટું લાગી રહ્યું છે.


સામ પિત્રોડાએ પુલવામા હુમલા અંગે કહ્યું કે, હુમલા અંગે હું કાંઇ વધુ જાણતો નથી. આ મુંબઇ હુમલા જેવો જ હતો. આ સમયે આપણે જવાબ આપ્યો હતો. પરંતુ તે યોગ્ય રીત નથી. પુલવામા હુમલા અંગે આખા પાકિસ્તાન પર આરોપ લગાવવો યોગ્ય નથી. કેટલાક લોકોની ભૂલની સજા આખા દેશને આપવી જોઇએ નહીં. આ જ રીતે મુંબઇમાં આઠ લોકો આવે છે અને હુમલો કરી દે છે. આ માટે આખા દેશને (પાકિસ્તાન) પર આરોપ લગાવવો યોગ્ય નથી.