મુંબઈ: શિવસેનાના સાંસદ સંજય રાઉતે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને લઈને આપેલુ પોતાનું નિવેદન પરત લીધુ છે. સંજય રાઉતે કહ્યું કે, તેઓ હંમેશાથી ઇન્દિરા ગાંધીનાં સમર્થનમાં બોલતા આવ્યા છે અને તેમનું સન્માન કરે છે. સંજય રાઉતે કહ્યું કે જો કોઈને તેમના નિવેદનથી ઠેસ પહોંચી છે તો તેઓ પોતાનું નિવેદન પરત લે છે. સંજય રાઉતે ઈન્દિરા ગાંધી અને કરિલ લાલાની મુલાકાતને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ કૉંગ્રેસના નેતાઓ નારાજ હતા.


સંજય રાઉતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, 'કૉંગ્રેસનાં જે અમારા મિત્ર છે તેમને દુ:ખી થવાની જરૂર નથી. જ્યારે પહેલા કોઈ ઈન્દિરાજી પર બોલતુ હતુ ત્યારે કૉંગ્રેસનાં લોકો ચૂપ બેસી રહેતા હતા, હું સામે આવીને બોલતો હતો. તેમ છતા પણ જો મારી વાતથી ઇન્દિરાજીની પ્રતિમાને હાની પહોંચે છે અથવા કોઈ દુ:ખી થયું હોય તો હું મારું નિવેદન પરત લઉ છું.'


સંજય રાઉતે કહ્યું 'કરીમ લાલા સાથે અનેક નેતાઓની મુલાકાત થતી હતી. અફઘાનિસ્તાનનાં પઠાણોનાં નેતા તરીકે તેમની કરીમ લાલા સાથે મુલાકાત થતી હતી. કરીમ લાલાની ઓફિસમાં અનેક નેતાઓની તસવીર પણ હતી.

ઉલ્લેખનીય છે કે શિવસેના સાંસદ સંજય રાઉતે પુણેમાં પુરસ્કાર સમારંભ દરમિયાન એક મીડિયા સમૂહને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી પાયધુનીમાં કરીમ લાલાને મળવા જતા હતા. સંજય રાઉતના આ નિવેદન બાદ કૉંગ્રેસના નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો.