DELHI :  બુલેટ ટ્રેન પ્રોજેક્ટના MD સતીશ અગ્નિહોત્રી સામે રેલવે મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. રેલવે મંત્રાલયે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના MD સતીશ અગ્નિહોત્રીને ટર્મિનેટ કર્યા  છે. ભ્રષ્ટાચારના એક જૂના કેસમાં કાર્યવાહી કરતા રેલવે મંત્રાલય દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. 
 
1 જુલાઈ, 2021ના રોજ થઇ હતી નિમણૂંક 
રેલવે મંત્રાલયે આજે બુલેટ ટ્રેનના મેનેજિંગ ડિરેક્ટર સતીશ અગ્નિહોત્રીને તાત્કાલિક અસરથી ટર્મિનેટ  કરી દીધા છે. 1 જુલાઈ, 2021ના રોજ સતીશ અગ્નિહોત્રીને વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (બુલેટ ટ્રેન)ના એમડી બનાવવામાં આવ્યા હતા. 


રાજેન્દ્ર પ્રસાદને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કાર્યકારી MD બનાવાયા 
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જ ડાયરેક્ટર- પ્રોજેક્ટ્સ તરીકે કામ કરતા રાજેન્દ્ર પ્રસાદને સતીશ અગ્નિહોત્રીની જગ્યાએ ત્રણ મહિના માટે કાર્યકારી MD બનાવવામાં આવ્યા છે. રાજેન્દ્ર પ્રસાદને આ પદ વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.






સતીશ અગ્નિહોત્રી પર ભ્રષ્ટાચારના આરોપ 
રેલ્વે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર સતીશ અગ્નિહોત્રી સામે ભ્રષ્ટાચારના ઘણા મામલા સામે આવ્યા છે, જેને જોતા તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. સતીશ અગ્નિહોત્રી લગભગ 9 વર્ષથી રેલ વિકાસ નિગમના અધ્યક્ષ અને સીએમડી છે. આ દરમિયાન તેમના પર ટ્રેક નાખવાના કોન્ટ્રાક્ટને લઈને ઘણા આરોપો લાગ્યા  છે. સતીશ અગ્નિહોત્રી IIT રૂરકીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જ્યાંથી તેમણે સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું છે.


બુલેટ ટ્રેન પ્રોજેક્ટની છબી પર પણ જોખમ હતું 
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટેક્નિકલી  અને નાણાકીય રીતે જાપાન સરકાર અને ભારત સરકાર વચ્ચેના કરાર સાથે સીધો સંબંધ ધરાવે છે. આવી સ્થિતિમાં તેના તમામ કાર્યો માટે તેની સાથે જાપાન સરકારનું સતત જોડાણ છે. આવી સ્થિતિમાં ભારત સરકાર નથી ઈચ્છતી કે કોઈ પણ વ્યક્તિ તેનો વડા બને જેના પર ગંભીર કેસ સામે આવ્યા છે.