જમ્મુ: જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કાશ્મીરમાં હિંસાની ખબરો સંબંધી ટીપ્પણી વિશે કહ્યું કે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ઘાટીનો પ્રવાસ કરાવવા અને સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે તેઓ એક વિમાન મોકલશે. રાજ્યપાલે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના એક નેતાના વ્યવહાર વિશે શરમ અનુભવવી જોઈએ જેઓ સંસદમાં મૂર્ખની જેમ વાતો કરે છે. મલિકે કહ્યું, 'મે રાહુલ ગાંધીને અહીં આવવા માટે આમંત્રણ આપ્યું છે. હું તમારા માટે વિમાન મોકલીશ એટલે તમે સ્થિતિનું નિરિક્ષણ કરી શકો અને બાદમાં બોલજો. તમે એક જવાબદાર વ્યકિત છો અને તમારે આવી રીતે વાત ન કરવી જોઈએ.' રાજ્યપાલ કાશ્મીરમાં હિંસા સંબધી કેટલાક નેતાઓના નિવેદન વિશે પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા.
શનિવારે રાત્રે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરથી હિંસાની ખબર સામે આવી છે અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પારદર્શી રીતે આ મામલે ચિંતા વ્યક્ત કરવી જોઈએ. રાજ્યપાલે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો કોઈ સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ નથી.
રાજ્યપાલ મલિકે કહ્યું આ મુદ્દાને કેટલાક મુઠ્ઠીભર લોકો હવા આપી રહ્યા છે પરંતુ તેઓ સફળ નહી થાય. તેમણે કહ્યું, વિદેશી મીડિયાએ (ખોટુ રિપોર્ટિંગ કરવાનો) પ્રયાસ કર્યો અને અમે તેમને ચેતવણી આપી છે. તમામ હોસ્પિટલ તમારા માટે ખુલ્લા છે અને કોઈ એક વ્યક્તિને ગોળી લાગી હોય તો તમે સાબિત કરી બતાવો. જ્યારે કેટલાક યુવકો હિંસા કરી રહ્યા હતા ત્યારે 4 લોકોને પેલેટથી પગમાં ગોળી મારવામાં આવી છે અને તેમાં કોઈ ગંભીર રીતે ઘાયલ નથી થયું.