દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈન 55 વર્ષના છે અને તેમના સ્વાસ્થ્યમા સુધારો થઈ રહ્યો છે. ડૉક્ટરો સતત તેમની સંભાળ રાખી રહ્યા છે અને આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
સત્યેંદ્ર જૈનને મેક્સ હોસ્પિટલમાં શનિવારે પ્લાઝમા થેરાપી આપવામાં આવી હતી અને તેમની સ્થિત હાલ સ્થિર છે. સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોના ડૉક્ટરની એક ટીમને તેમનું ધ્યાન રાખવા માટે તૈયાર રાખવામાં આવી હતી. વધારાની ટીમમાં રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સાથે મૌલાના આઝાદ મેડિકલ કૉલેજ અને અન્ય પ્રમુખ પ્રાઈવેટ હોસ્પિટલોના ડૉકટરો સામેલ હતા.
સત્યેંદ્ર જૈનની સ્થિતિ બગડ્યા બાદ તેમને આરજીએસએસએચમાંથી મેક્સ હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. 17 જૂને સત્યેંદ્ર જૈન કોવિડ 19થી સંક્રમિત થયા હતા. તેના એક દિવસ પહેલા 16 જૂને તાવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કોરોના વાયરસની તપાસ કરવામાં આવી પરંતુ તેમાં સંક્રમણની પુષ્ટી નહોતી થઈ. ત્યારબાદ 17 જૂને ફરી વખત તપાસ કરવામાં આવી હતી. બીજી વખત તપાસમાં તેમના સંક્રમણની પુષ્ટી થઈ હતી.