Saudi Arabian Crown Prince: G-20 સમિટ સમાપ્ત થયા બાદ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સોમવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રાઉન પ્રિન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મોહમ્મદ બિન સલમાન શુક્રવારે જી-20માં ભાગ લેવા ભારત પહોંચ્યા હતા.














હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાશે


રાષ્ટ્રપતિ મુર્મૂને મળ્યા બાદ પ્રિન્સ સલમાન સવારે 11 વાગ્યે હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદીને મળશે. અહીં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે. અગાઉ, ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ભારત-સાઉદી રોકાણ કરાર હેઠળ ઘણા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પછી મોહમ્મદ બિન સલમાન સાંજે 6.30 વાગ્યે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. તેઓ રાત્રે 8.30 કલાકે સાઉદી જવા રવાના થશે.


9-10 સપ્ટેમ્બરના રોજ G-20 સમિટનું આયોજન


ભારતમાં 9 અને 10 સપ્ટેમ્બરે G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોયાન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સામેલ હતા. આ સિવાય ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાએ પણ ભાગ લીધો હતો. જો કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમિટમાં સામેલ થયા ન હતા.