કોલકાતાઃ 500 અને 1000 ની નોટ પર પ્રતિબંધ મુકવાને લીધે આમ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો સવારથી લઇને સાંજ સુધી બેંકોની લાઇનમાં ઉભા રહે છે, તેમ છતા તેમને નવી નોટ મળતી નથી. ત્યારે નોટ પરના પ્રતિબંધના નિર્ણયને મોદી સરકાર પર ફરી મોટો પ્રહાર કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે કહ્યું હતું કે, કેંદ્ર સરકાર આ કાળા નિર્ણયને પરત લે, કેમ કે આ આમ આદમી વિરુદ્ધનું છે. તેણ કહ્યું હતું કે, તે દેશ બચાવવા માટે પોતાના વિરોધી પક્ષ સીપીએમ સહિત તમામ વિપક્ષો સાથે મળીને કામ કરવા તૈયાર છે.
મમતા બેનર્જીએ દક્ષિણ કોલકાતામાં અમુક બેંકોની મુલાકાત કરી અને લોકો સાથે વાતચીત કરીને પત્રકારો સાથે વાત કરી હતી. "આ સરકારને ટકી રહેવાનો કોઇ નૈતિક અધિકાર નથી. તેને જવું જોઇએ. આ જન વિરોધી સરકાર છે, આ ગરીબ વિરોધી સરકાર છે. સરકારનો આ નિર્ણય લોકતાંત્રી નથી. આ સરમુખત્યાર શાહી છે."
મુખ્યમંત્રીએ થોડા દિવસથી થઇ રહેલા દેશને આર્થિક નુક્સાનનું સુપ્રિમ કોર્ટની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે, આ આર્થિક આપાતકાળની સુપ્રિમ કોર્ટની પાંચ જજો પાસે તપાસ કરાવી જોઇએ. આ નિર્ણય અમુક લોકોને ફાયદો કરાવવા અને દેશને વેચવા માટે તો નથી લેવામાં આવ્યોને.