નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગરા પ્રવાસને લઇને એક નવો મૉડ આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને 24 ફેબ્રુઆરીએ આગરામાં તાજમહેલ જોવા માટે આગરા જવાનુ છે. તેમની સુરક્ષાને જોતા યુએસ સિક્રેટ સર્વિસ ઇચ્છે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુપર કારને તાજમહેલના કેમ્પસની અંદર જવા દેવામાં આવે. હવે આના પર વિવાદની સ્થિતિ ઉભી થઇ ગઇ છે.


ખરેખરમાં, ભારત સરકાર યુએસ સિક્રેટ સર્વિસને ટ્રમ્પની કાર તાજમહેલના કેમ્પસની અંદર જવા દેવાની પરમીશન નથી આપી શકતી. કેમકે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઇપણ વાહન તાજમહેલની પાંચ સો મીટરની આસપાસ નથી જઇ શકતુ.

ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલેનિયા ટ્રમ્પની સાથે 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન તે આગરા સ્થિત તાજમહેલની મુલાકાત લેવાના છે.



નોંધનીય છે કે, તાજમહેલને પ્રદુષણથી બચાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે આડેહાથે લીધી હતી. તાજમહેલના સંરક્ષણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તાજમહેલની આસપાસના પાંચસો મીટરની જગ્યા પર પેટ્રૉલ કે ડીઝલ વાળા વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એટલે સુધી કહ્યું હતુ કે તમે કાંતો તાજમહેલને સંરક્ષણ આપો, કે બંધ કરી દો કે પછી તેને ધ્વસ્ત કરી દો.