નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એરફોર્સના શોર્ટ સર્વિસ કમિશનમાંથી નિવૃત્ત થયેલી 32 મહિલા અધિકારીઓના પક્ષમાં મોટો આદેશ આપ્યો છે. આ મહિલાઓને કાયમી કમિશન ઓફિસરની જેમ પેન્શનનો લાભ મળશે. આ નિવૃત્ત મહિલા અધિકારી એવા અધિકારીઓમાંથી એક છે જેમણે સેનામાં મહિલાઓને કાયમી કમિશન મેળવવા માટે કાનૂની લડાઈ લડી હતી, પરંતુ કોર્ટનો નિર્ણય તેમના પક્ષમાં આવે તે પહેલા જ તેઓ નિવૃત્ત થઈ ગયા હતા. એટલે કે 15 વર્ષની સેવા બાદ પણ કાયમી કમિશનનો દરજ્જો મેળવ્યા વિના નિવૃત્ત થયેલા આ મહિલા અધિકારીને 20 વર્ષ સુધી ફરજ બજાવતા અધિકારીઓની જેમ પેન્શન મળશે.


2020 નો ઐતિહાસિક નિર્ણય


17 ફેબ્રુઆરી 2020ના રોજ સુપ્રીમ કોર્ટે સેનાની મહિલા અધિકારીઓના પક્ષમાં ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સેનામાં ફરજ બજાવતી તમામ મહિલા અધિકારીઓને કાયમી કમિશન મળશે. એટલે કે તે નિવૃત્તિ સુધી કામ કરી શકશે. આ સાથે મહિલા અધિકારીઓને તેમની યોગ્યતાના આધારે કમાન્ડ અથવા લીડરશીપ પદ પણ આપવામાં આવશે.


સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે તે સમયે સેનાના વિવિધ વિભાગોમાં કામ કરતી તમામ 1653 મહિલા અધિકારીઓને કાયમી કમિશન મેળવવાનો માર્ગ થઈ ગયો હતો. એ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે એ મહિલાઓને પણ લાભ આપ્યો જે 12 માર્ચ 2010ના રોજ આવેલા દિલ્હી હાઇકોર્ટના નિર્ણય બાદ સેવામાં યથાવત રહી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 2010માં  જ મહિલા અધિકારીઓના પક્ષમાં ચુકાદો આવી ગયો હતો પરંતુ સરકારના વલણના કારણે તેને લાગુ કરવામાં 9 વર્ષથી વધુનો સમય લાગી ગયો છે.


2010માં હાઈકોર્ટના નિર્ણય બાદ શોર્ટ સર્વિસ કમિશનની મહિલા અધિકારીઓ ફરજ બજાવતી રહી અને અંતે 14 વર્ષની સેવા પૂર્ણ કરવાના આધારે કાયમી કમિશનનો લાભ મળ્યો હતો. પરંતુ હાઈકોર્ટના નિર્ણય પહેલા જ નિવૃત્ત થઈ ચૂકેલી મહિલા અધિકારીઓને તેમના અધિકારો મેળવવા માટે 12 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 90 ના દાયકામાં 5 વર્ષના ટૂંકા સેવા કમિશન માટે નિમણૂક કરાયેલી આ મહિલાઓને બે વાર સેવાનું વિસ્તરણ મળ્યું. આ રીતે તેમણે 15 વર્ષ સુધી સેવા આપી પરંતુ તેમને કાયમી કમિશન ન અપાતા નિવૃત્ત થઈ ગયા હતા.


2006 અને 2009 વચ્ચે નિવૃત્ત થયેલી આ મહિલાઓને પરત લેવી વ્યવહારુ ન હતી. લાંબા સમય સુધી સેવાથી દૂર રહેવાના કારણે અને વૃદ્ધાવસ્થાના કારણે તેમને સૈન્યમાં પાછા લઈ શકાયા નહોતા. પરંતુ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે તેમને 20 વર્ષની સેવા પછી અધિકારીઓને મળતા પેન્શન માટે હકદાર જાહેર કર્યા હતા.