Rahul Gandhi Defamation Case: ફરિયાદી પૂર્ણેશ મોદીએ આજે સોમવાર 'મોદી સરનેમ' સાથે સંકળાયેલા ફોજદારી માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. ફરિયાદીએ રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેવાની સુપ્રીમ કોર્ટને માંગ કરી છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસમાં તેમની દોષિત ઠરાવવા પર રોક લગાવવાની માંગ કરી હતી. આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે થશે.


પોતાના જવાબમાં પૂર્ણેશ મોદીએ શું કહ્યું?


ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના જવાબમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી. તેમનું વર્તન અભિમાનથી ભરેલું છે. કોઈપણ કારણ વગર આખા વર્ગને અપમાનિત કર્યા બાદ પણ તેમણે માફી માંગવાની ના પાડી. નીચલી અદાલત દ્વારા સજા થયા બાદ પણ તેમણે ઘમંડી નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું હતું. માત્ર સંસદનું સભ્યપદ બચાવવા માટે પ્રતીતિ પર રહેવાનો કોઈ આધાર નથી.


SCએ જવાબ દાખલ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો


અગાઉ 21 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ફરિયાદીને ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી રાહુલ ગાંધીની અપીલ પર જવાબ દાખલ કરવા કહ્યું હતું.


જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પીકે મિશ્રાની ખંડપીઠે ગુજરાત સરકાર અને ફરિયાદી પૂર્ણેશ મોદીને નોટિસ પાઠવીને એફિડેવિટ દ્વારા જવાબ દાખલ કરવા માટે દસ દિવસનો સમય આપ્યો છે. આ સાથે જ કોર્ટે રાહુલની દોષિત ઠેરવવા પર સ્ટે આપવા સંબંધિત મામલાની સુનાવણી 4 ઓગસ્ટે નર્ધારિત કરી છે.


પૂર્ણેશ મોદીની ફરિયાદ પર રાહુલને સજા કરવામાં આવેલી


જાહેર છે કે, પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરાયેલા કેસમાં કોંગ્રેસ નેતાને ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ 23 માર્ચે બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી, જેને હાઈકોર્ટે યથાવત રાખી હતી. સજાને કારણે રાહુલ ગાંધીને સંસદનું સભ્યપદ ગુમાવવું પડ્યું હતું. એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો અને મોદી અટક પર ટિપ્પણી કરી.


ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી હતી. આકરી ટિપ્પણીઓ પણ કરી હતી. જસ્ટિસ હેમંત પ્રચ્છકે કહ્યું હતું કે રાહુલ વિરુદ્ધ ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે. હાલના કેસ બાદ પણ તેની સામે અન્ય કેટલાક કેસ પણ નોંધાયા હતા. આવો જ એક કેસ વીર સાવરકરના પૌત્રે નોંધાવ્યો છે. ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે દોષિત ઠેરવવાથી કોઈ અન્યાય થશે નહીં. અગાઉ પસાર થયેલા આદેશમાં દખલ કરવાની જરૂર નથી. તેથી અરજી ફગાવી દેવામાં આવે છે.


https://t.me/abpasmitaofficial