Supreme Court On Parliament Membership: સુપ્રીમ કોર્ટે કોગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભાનું સભ્ય પદ પરત મળવાને પડકારતી અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓનો ઉલ્લેખ કરીને સદસ્યતા પરત મળવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આના પર કોર્ટે પીઆઈએલ ફગાવી દીધી હતી અને અરજદાર પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.


અરજદારે કહ્યું હતું કે જ્યાં સુધી ઉચ્ચ અદાલત તેને નિર્દોષ સાબિત ન કરે ત્યાં સુધી સભ્યપદ પુનઃસ્થાપિત કરવું ખોટું છે. જસ્ટિસ બી.આર. ગવઈની નેતૃત્વ હેઠળની બેન્ચે કહ્યું કે અરજી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે કારણ કે અરજદારના કોઈપણ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટ અરજદાર વકીલ અશોક પાંડેની અરજી પર સુનાવણી કરી રહી હતી.


રાહુલ ગાંધીનું સભ્યપદ પરત મળ્યું હતુ


મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે તેમની સજા પર રોક લગાવ્યા બાદ 4 ઓગસ્ટે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું હતું. રાહુલ ગાંધીને માર્ચ 2023માં લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.


શું છે કેસ?


2019માં BJPના નેતા પૂર્ણેશ મોદી દ્ધારા રાહુલ ગાંધી સામે મોદી સરનેમને લઇને તેમણે આપેલા નિવેદનને લઇને ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ટિપ્પણી 13 એપ્રિલ, 2019 ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન કરવામાં આવી હતી.


આ અંગે ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અન્ય પછાત વર્ગ (ઓબીસી)નું અપમાન કર્યું છે. જેના પર રાહુલ ગાંધીએ પલટવાર કરતા કહ્યું કે વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેઓએ (કેન્દ્ર સરકારે) ઓબીસી માટે કંઈ કર્યું નથી.


નોંધનીય છે કે અગાઉ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં દોષી ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી.  બાદમાં કોંગ્રેસ નેતાએ નીચલી કોર્ટના આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હાઈકોર્ટે પણ કોઈ રાહત આપી નથી અને રાહુલ ગાંધીની સજાને યથાવત રાખી છે. આ પછી રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાને માર્ચ 2023માં લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 4 ઓગસ્ટ, 2023 ના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી હતી. તેમજ તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.