ચિમકી તાવ પર સુપ્રીમ કોર્ટ કડક, કેન્દ્ર-બિહાર સરકાર પાસે 7 દિવસમાં માંગ્યો જવાબ, કહ્યું- સરકાર આ રીતે નથી ચાલતી
abpasmita.in | 24 Jun 2019 12:40 PM (IST)
સુપ્રીમ કોર્ટે આ દૂર્ઘટના અંગે સાત દિવસમાં બન્ને સરકારો પાસેથી જવાબ સાથેનો રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે
નવી દિલ્હીઃ બિહારમાં ચિમકી તાવ અને બાળકોના મોતને લઇને સુ્પ્રીમ કોર્ટ કડક થઇ છે. બિહારમાં ચિમકી-મગજના તાવથી બાળકોના મૃત્યુનો સિલસિલો અટકતો નથી, અત્યાર સુધી 150થી પણ વધુ બાળકો મોતને ભેટી ચૂક્યા છે. હવે સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારોને આ મુદ્દે આડેહાથે લીધી છે. સુપ્રીમ કોર્ટે ચિંતા જાહેર કરતા બન્ને પાસે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ દૂર્ઘટના અંગે સાત દિવસમાં બન્ને સરકારો પાસેથી જવાબ સાથેનો રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. સાથે સાથે બિમારીની રોકથામ અને બાળકોની સારવાર માટે ઉઠાવેલા પગલાની માહિતી પણ કોર્ટે માંગી છે. ઉલ્લેખનીય છેકે, બિહારમાં એક્યૂટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રૉમ (AES)થી અત્યાર સુધી 152 બાળકોના મોત થઇ ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે ઠપકો આપતા કહ્યું કે આમ ના ચાલે સરકારે જવાબ આપવો પડશે. કોર્ટે ત્રણ મદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે જવાબ માંગ્યા છે. આ ત્રણ મુદ્દાઓમાં હેલ્થ સર્વિસ, ન્યૂટ્રિશન અને હાઇઝિનનો છે. કોર્ટે કહ્યું આ બધાનો મૂળભૂત અધિકાર છે, તે સમયસર મળવુ જોઇએ.