નવી દિલ્હીઃ અયોધ્યા મામલાની સુનાવણી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ એક નવી બેન્ચની રચના કરી હતી. હવે આ બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સિવાય એસએ બોબડે, જસ્ટિસ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને અબ્દુલ નઝીર સામેલ છે. છેલ્લી બેન્ચમાં કોઇ મુસ્લિમ જસ્ટિસ ના હોવાના કારણે અનેક પક્ષોએ સવાલ ઉઠાવ્યા હતા. 29 જાન્યુઆરીએ આ મામલાની સુનાવણી હાથ ધરાશે.
નવી બેન્ચમાં સામેલ કરવામાં આવેલા જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ નઝીર પૂર્વ ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની ત્રણ બેન્ચમાં સામેલ હતા જેમણે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની શરૂઆતની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલોએ માંગ કરી હતી કે આ મામલાને જસ્ટિસ દીપક મિશ્રાની ત્રણ જજોના બદલે પાંચ જજની બેન્ચ મારફતે સુનાવણી કરવામાં આવે. ત્યારે પાંચ બેન્ચમાં સુનાવણી મોકલવાની માંગને ફગાવી દેવાઇ હતી. ઉલ્લેખનીય છે કે ન્યાયમૂર્તિ યૂ યૂ લલિતે આ કેસની સુનાવણીથી પોતાને અળગા કરી દીધા હતા. પરિણામે સીજેઆઇ રંજન ગોગોઇએ તે સમયે અયોધ્યા મામલાની સુનાવણી માટે નવી બેંન્ચના ગઠનની જાહેરાત કરી હતી.