નવી દિલ્હીઃ લોકડાઉનના ગાળામાં કર્મચારીઓને પૂરું વેતન આપવાના મામલે સુપ્રીમ કોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો છે. 12 જૂને આ મામલે વધુ સુનાવણી થશે. ઉદ્યોગ જગતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના 29 માર્ચના આદેશને કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે લોકડાઉન દરમિયાન નોકરીદાતાએ કર્મચારીને પૂરો પગાર ચૂકવવો પડશે.


આજની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે, મજૂરોને પૂરો પગાર આપવાનો આદેશ જાહેર કરવો જરૂરી હતો. મજૂરો આર્થિક રીતે સમાજના નીચલા વર્ગમાં આવે છે. ઔદ્યોગિક ગતિવિધિ વગર તેમને રૂપિયા મળવામાં મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે ગતિવિધિને મંજૂરી આપી દેવામાં આવી છે, 17 મેથી આદેશને પરત લઇ લેવામાં આવ્યો છે.

ઉદ્યોગ જગત સરકારની આ દલીલથી સંતુષ્ટ નહોતું. તેમણે 29 માર્ચથી 17 મે સુધી 54 દિવસનું પૂરું વેતન આપવામાં અસમર્થતા બતાવી હતી. તેમની દલીલ હતી કે સરકારે ઉદ્યોગોની મદદ કરવી જોઈએ.

આજે કોર્ટે દોઢ કલાક સુધી બંને પક્ષોને વિસ્તારથી સાંભળ્યા બાદ તેનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટના આદેશથી નક્કી થશે કે મજૂરોને 54 દિવસનું વેતન મળશે કે નહીં.