હમીરપુરઃ યુપીના હમીરપુર જિલ્લામાંથી એક વીડિયો જોરદાર રીતે વાયરલ થઇ રહ્યો છે, જેમાં સરકારી સ્કૂલને મહિલા શિક્ષિકાઓએ કુસ્તીનો અખાડો બનાવી દીધો છે, અને બાળકોની સામે મારામારી કરતા જોવા મળી રહી છે. એટલુ જ નહીં શિક્ષાનુ મંદિર ગણાતી સ્કૂલમાં આવી બબાલ જોઇને બાળકો પણ બૂમાબુમ કરવા લાગ્યા હતા. જોકે, બાદમાં ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તપાસ શરૂ કરી કરી દીધી હતી. હાલમાં આ મામલે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 


આ ઘટના ઉત્તરપ્રદેશના હમીરપુરની એક માધ્યમિક શાળાની છે, અહીં 3 શિક્ષકાઓ એકબીજા સાથે જોરદાર રીતે મારામારી કરીને બાખડી હતી. લગભગ 45 મિનિટ સુધી ત્રણેય શિક્ષકાઓ વચ્ચે લડાઈ ચાલી. આ વચ્ચે શાળાના બાળકોએ ત્રણેયને છૂટા પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્રણેય શિક્ષિકાઓએ બાળકોને ધક્કો મારીને લડતી રહી.


ઘટનાની માહિતી એવી છે કે, આ લડાઈ મોટેથી અવાજ અને ફોનમાં વીડિયો બનાવવાને લઈને થઇ હતી. હુમલાનો આ વીડિયો 2 ઓક્ટોબરનો એટલે કે ગાંધી જયંતિના દિવસની છે. આ મામલો હમીરપુરના કુરારા વિસ્તારની ગર્લ્સ સ્કૂલનો છે. મામલો સામે આવ્યા બાદ ત્રણેય શિક્ષકોઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 






2 ઓક્ટોબરનો ચાલી રહ્યો હતો કાર્યક્રમ -
સ્કૂલમાં પ્રીતિ નિગમ આચાર્ય તરીકે ફરજ બજાવે છે, જ્યારે નાહિદ હાશ્મી આસિસ્ટન્ટ ટીચર અને પુષ્પલતા પાંડે હોસ્ટેસ તરીકે તૈનાત છે. માહિતી પ્રમાણે 2જી ઓક્ટોબરે શાળામાં ગાંધી જયંતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. બાળકો ડાન્સ અને ગીતનો કાર્યક્રમ કરી રહ્યા હતા. શાળામાં લગભગ 50-60 જેટલા બાળકો હાજર હતા. આસિસ્ટન્ટ ટીચર નાહીદ હાશ્મી કાર્યક્રમ સ્થળ પર બેઠી હતી. ત્યારે આચાર્ય પ્રીતિ ત્યાં આવી. તેમણે બાળકોને બહાર આવવા કહ્યું. પ્રીતિએ કહ્યું કે સમયસર ધ્વજ ફરકાવવો જોઈએ. જેના પર નાહિદ હાશ્મી પ્રીતિ પર બૂમો પાડવા લાગી હતી. તેમણે બાળકોને બહાર જવાની પણ મનાઈ કરી હતી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. થોડી જ વારમાં બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઇ. વર્ગખંડમાં બેઠેલા કેટલાક બાળકો બહાર દોડી ગયા. એ જ સમયે કેટલાક બાળકો તો બંનેને છૂટા પાડવા લાગ્યા.


જોકે, લડાઈ થતી જોઈને નજીકમાં ઉભેલી પુષ્પલતા પાંડેએ બંનેનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું. જેને લઇને પ્રીતિ પુષ્પલતા પર બગડી. તેણે નજીક આવીને તેનું પર્સ આંચકવા લાગી. વીડિયો ડિલીટ કરવા કહ્યું. જ્યારબાદ તેમની વચ્ચે ઝઘડો પણ શરૂ થયો હતો. આ દરમિયાન ક્લાસની અંદર તિરંગો જમીન પર પડ્યો હતો પરંતુ કોઈએ તેને ઊંચો કર્યો ન હતો.