SCO Meeting: પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારતની મુલાકાતે છે. દરમિયાન, બિલાવલ ભુટ્ટો ઝરદારી ગુજરાતીઓને મોટી રાહત આપી છે. તેમણે આ બાબતને લઈને મોટી જાહેરાત પણ કરી છે.
પાકિસ્તાને જાહેરાત કરી છે કે, તે સદ્ભાવનાના સંકેત તરીકે 600 ભારતીય માછીમારોને મુક્ત કરશે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, માછીમારોએ દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. આ માટે આ લોકોને જેલમાં રાખવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર, 600 માછીમારમાંથી 200ને 12 મેના રોજ મુક્ત કરવામાં આવશે. બાકીના 400 માછીમારોને 14 મેના રોજ મુક્ત કરવામાં આવશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે બિલાવલ ભુટ્ટોએ શુક્રવારે ગોવાના બેનૌલિમમાં SCOની વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં તેને સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
બિલાવલ ભુટ્ટોએ કરેલી આ જાહેરાતનો સૌથી વધુ લાભ ગુજરાતના માછીમારોને થશે. કારણ કે ગુજરાતના દરિયાકાંઠાથી પાકિસ્તાન એકદમ નજીકના અંતરે આવેલું છે. જેથી માછીમારી કરવા જતા ગુજરાતના માછીમારોને પાકિસ્તાનની મરીન દ્વારા પકડી જવાની અનેક ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. હાલ પાકિસ્તાનની જેલમાં મોટી સંખ્યામાં ગુજરાતી માછીમારો સબડી રહ્યાં છે. પરંતુ પાકિસ્તાનની આ જાહેરાતથી પાકિસ્તાનની જુદી જુદી જેલમાં રહેલા અનેક ગુજરાતી માછીમારો વતન પરત ફરી શકશે.
બિલાવલ છેલ્લા 12 વર્ષમાં ભારતની મુલાકાત લેનારા પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી છે. 2011 માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશમંત્રી હિના રબ્બાની ખારે ભારતની મુલાકાત લીધી હતી અને તેમના તત્કાલીન સમકક્ષ એસએમ કૃષ્ણા સાથે વાતચીત કરી હતી. તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે 2014માં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
બેઠકમાં શું થયું?
વિદેશ પ્રધાન એસ જયશંકરે તેમના પાકિસ્તાની સમકક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારીની હાજરીમાં એસસીઓની બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામ પ્રકારના આતંકવાદ અને તેને કરવામાં આવતા ફંડિંગને રોકવું જોઈએ.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે, જ્યારે હું આ વિષય પર બોલું છું, ત્યારે હું માત્ર પાકિસ્તાનના વિદેશ પ્રધાન તરીકે જ બોલતો નથી. જે લોકોએ સૌથી વધુ હુમલામાં સૌથી વધુ સહન કર્યું છે, હું એક પુત્ર તરીકે પણ બોલી રહ્યો છું જેમની માતાની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.