SCO Foreign Ministers Meet: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે SCO સમિટ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો સાથે હાથ મિલાવ્યા ન હતા. એસ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક દરમિયાન મંચ પર સભ્ય દેશોના તમામ વિદેશ મંત્રીઓનું સ્વાગત કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે મીટિંગમાં ભાગ લેવા આવેલા પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો સ્ટેજ પર પહોંચ્યા તો હાથ મિલાવવાના બદલે જયશંકરે દૂરથી તેમનું અભિવાદન કર્યું. જેના જવાબમાં બિલાવલ ભુટ્ટોએ પણ નમસ્તે કહેવું પડ્યું હતું. ફોટો સેશન પછી, ભારતીય વિદેશ મંત્રીએ ભુટ્ટોને સ્ટેજની બીજી બાજુ જવાનો ઈશારો કર્યો.
આ વર્ષે ભારત SCOની અધ્યક્ષતા કરી રહ્યું છે. બેઠક પહેલા ભારતના વિદેશ મંત્રીએ SCOના મંચ પરથી સંબોધન કર્યું હતું, જેમાં આતંકવાદનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવવામાં આવ્યો હતો. જયશંકરે કહ્યું કે, આતંકવાદને કોઈ પણ સંજોગોમાં ન્યાયી ઠેરવી શકાય નહીં. આતંકવાદ તેના તમામ સ્વરૂપોમાં ખતમ થવો જોઈએ. આતંકના આર્થિક માલસામાનને રોકવા માટે પણ અસરકારક કાર્યવાહી જરૂરી છે. એ નોંધવું જોઈએ કે આતંકવાદ સામે લડવું એ એસસીઓના સ્થાપક ઠરાવોમાંનો એક છે.
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે ચીનના વિદેશમંત્રી સાથે ગોવામાં કરી દ્વીપક્ષીય બેઠક
ગોવામાં શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સ (SCO) દરમિયાન ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન ચિન ગાંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં ભારત-ચીન એલએસી અને સરહદી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વાસ્તવમાં છેલ્લા બે મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ બીજી દ્વિપક્ષીય બેઠક છે.ચીનના વિદેશ મંત્રી માર્ચમાં જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. આ દરમિયાન એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રીને કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદને કારણે ભારત-ચીન સંબંધોની સ્થિતિ 'અસામાન્ય' છે. જૂન 2020 માં ગલવાન ઘાટીમાં ભીષણ અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ બની ગયા છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ટ્વીટ કર્યું હતું કે "ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ મંત્રી સાથે અમારા દ્વિપક્ષીય સંબંધો પર વિગતવાર ચર્ચા કરી હતી. અમારું ધ્યાન બાકીના મુદ્દાઓને ઉકેલવા અને સરહદી વિસ્તારોમાં શાંતિ સુનિશ્ચિત કરવા પર છે." આ સાથે અમે SCO, G20 અને BRICS પર પણ ચર્ચા કરી હતી.
SCO ની સ્થાપના ક્યારે થઈ હતી?
SCOની સ્થાપના 2001માં શાંઘાઈમાં થઈ હતી. SCOમાં ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. ભારત આ વર્ષ માટે જૂથની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન 2017માં ચીન સ્થિત SCOના કાયમી સભ્ય બન્યા. SCO સંગઠનના દેશોમાં ભારત એક મહત્વપૂર્ણ દેશ તરીકે ઉભરી આવ્યો છે. આ સંગઠનમાં ચીન અને રશિયા મુખ્ય દેશો છે. આ સંગઠનને નાટોના વિકલ્પ તરીકે પણ જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, SCOનું સભ્ય હોવા છતાં, ભારત ચાર દેશોના સંગઠન ક્વાડનું પણ સભ્ય છે. ક્વાડમાં ભારત ઉપરાંત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. રશિયા અને ચીન ક્વાડનો વિરોધ કરી રહ્યાં છે.