નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર હવે ધીમે ધીમે ઘટ્યો છે અને કોરોનાના નવા કેસની સંખ્યા પણ ઉત્તોરતર ઘટી રહી છે. મોતરનો આંકડો પણ દૈનિક 1000 ઓછો આવી રહ્યો છે. જોકે આ મામલે કેન્દ્ર સરકારે ચેવણી ઉચ્ચારી છે કે કોરોનાની બીજી લહેર હજી પૂરી નથી થઈ. લોકોએ જેટલી જલદી બને એટલી ઝડપથી રસી લઈ લેવી જોઈએ અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.


નીતિન આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો વીકે પોલે કહ્યું કે, કોરોનાની બીજી લહેર હજુ ખત્મ નથી થઈ. ત્રીજી લહેર આવશે કે નહીં તે આપણાં હાથમાં છે. ત્રીજી લહેર માટે તૈયારી રહેશે. જો આપણે અનુશાસન અને દૃઢ નિશ્ચય રાખીશું તો ત્રીજી લહેર નહીં આવે. તેમણે કહ્યું કે, ચેન ઓફ ટ્રાન્સમિશન ત્યાં જ રોકવું પડશે. યૂરોપમાં કેસ વધ્યા છે. યૂકે, ઇઝરાયલ, રશિયામાં કોરોનાના કેસ વધ્યા છે. આ વાયરસ સામે લડાઈ હજુ પણ ચાલુ છે.


ડો. વીકે પોલે કહ્યું કે, પંજાબના પોલીસકર્મીઓ પર એક અભ્યાસ થયો છે જે PGI એ કર્યો છે. 4868 પોલીસકર્મીએ કોઈ રસી ન લીધી અને 15ના મોત થયા. પ્રતિ હજારે 3ના મોત થયા. 35856 પોલીસ કર્મીએ એક ડોઝ લીધો અને માત્ર 9 જ મોત થયા. 0.25 પ્રતિ હજારે મોત. જ્યારે 42720 કર્મીએ બન્ને ડોઝ લીધા અને માત્ર 2ના જ મોત થયા. આ પ્રતિ હજારે 0.05 છે એટલે કે રસી સુરક્ષા આપે છે. સિંગલ 92 અને ડબલ ડોઝથી 98 ટકા સુરક્ષા મળે છે.


દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના ૩૪.૪૧ કરોડથી વધુ ડોઝ અપાયા છે. કોરોનાના એક્ટિવ કેસ વધુ ઘટીને ૫.૦૯ લાખ થયા છે, જે કુલ કેસમાં ૧.૬૭ ટકા જેટલા છે. કોરોનાનો રાષ્ટ્રીય રીકવરી દર વધીને ૯૭.૦૧ ટકા થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસની કુલ સંખ્યામાં ૧૩,૬૨૦ કેસનો ઘટાડો થયો છે. વધુમાં છેલ્લા ૨૫ દિવસથી દૈનિક પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી નીચે નોંધાયો છે.


દરમિયાન કેન્દ્ર સરકારે પૂર્વોત્તર ભારતના રાજ્યો અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, પૂર્વમાં ઓડિશા અને છત્તિસગઢ તેમજ દક્ષિણમાં કેરળમાં કોરોનાના કેસ વધુ હોવાથી કેન્દ્રીય ટીમો મોકલી છે.