નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ જમ્મુ કાશ્મીરના જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. જોકે, જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ચૂક્યો છે અને ત્યાં ધીરે ધીરે સ્થિતિ સામાન્ય બની રહી છે. હવે જમ્મ જિલ્લામાંથી કલમ 144 હટાવી દેવામાં આવી છે. નોંધનીય છે કે કલમ 370 હટાવ્યા બાદ સુરક્ષાના કારણોસર જમ્મુ કાશ્મીરમાં 144 કલમ લગાવવામાં આવી હતી.


જમ્મુના ડિપ્ટી મેજીસ્ટ્રેટ સુષ્મા ચૌહાણના મતે કલમ 144ને જમ્મુ નગરમાંથી હટાવી લેવામાં આવી છે. તમામ સ્કૂલ અને કોલેજ 10 ઓગસ્ટથી શરૂ થશે. જોકે, અહી ઇન્ટરનેટ સેવાઓ પર હજુ પણ પ્રતિબંધ યથાવત રહેશે.


આ અગાઉ જમ્મુ કાશ્મીરના બીજા જિલ્લાઓમાં કલમ 144 હટાવી લેવાઇ હતી. ગુરુવારે જ વહીવટીતંત્રએ આ નિર્ણય લીધો હતો કે જમ્મુના ઉધમપુર અને સાંબામાં સરકારી-પ્રાઇવેટ સ્કૂલ અને કોલેજને શુક્રવારે ખોલવામાં આવશે. આ તમામ સ્કૂલ એક સપ્તાહથી બંધ રહ્યા હતા.

ઉધમપુરના ડિપ્ટી કમિશનર પીયૂષ સિંગલાએ કહ્યું કે કલમ 144 હજુ પણ લાગુ છે પરંતુ કેટલાક સ્થળો પર છૂટ આપવામાં આવી છે. તમામ વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. બજારોમાં સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.

નોંધનીય છે કે જમ્મુ કાશ્મીર અને લદાખ હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે. રાજ્યમાં કોઇ પ્રકારની અનિચ્છનિય ઘટના ના બને અને અલગાવવાદી પ્રદર્શન ના કરે તે માટે સરકારે હજારોની સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતા.