પુણે: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેએ આજે પુણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની મુલાકાત લીધી હતી. જ્યાં આગના કારણે પાંચ લોકોના મૃત્યું થયા હતા. આ દરમિયાન કંપનીના સીઈઓ આદર પૂનાવાલા પણ સીએમ સાથે હાજર હતા. ગુરુવારે સીરમ ઈન્સ્ટીટ્યૂટમાં આગ લાગી હતી.

ઠાકરેએ સીરમ સંસ્થાના મંજરી કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી જ્યાં કોરોના વેક્સીન કોવિશિલ્ડ બની રહી છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આગ લગાવાના કારણની તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી તપાસ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેના કોઈ નિષ્કર્ષ નીકળી નહીં શકે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સંસ્થામાં આગ લાગી પરંતુ સૌભાગ્યથી તે રસીનું નિર્માણ અને જથ્થો હતો તે જગ્યાને કોઈ અસર થઈ નથી.


સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, આ આગના કારણે કંપનીને લગભગ એક હજાર કરોડનું નુકસાન થયું છે. પૂનાવાલાએ કહ્યું કે, કોવિશિલ્ડ વેક્સીનના ઉત્પાદન પર આગનો કોઈ પ્રભાવ નથી પડ્યો અને રસીને જથ્થાને પણ કોઈ નુકસાન થયું નથી. જે ભવનમાં આગ લાગી હતી તે કોવિશિલ્ડના ઉત્પાદન યૂનિટથી એક કિલોમીટર દુર છે.