પુણેઃ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અત્યાર સુધી ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા કોવિડ-19 રસીના અંદાજે પાંચ કરોડ ડોઝ બનાવી ચૂક્યું છે. કંપનીએ સોમવારે કહ્યું કે, તેમનો ટાર્ગેટ આગામી વર્ષે માર્ચ સુધીમાં 10 કરોડ ડોઝ તૈયાર કરવાનો છે. કંપનીના સીઈઓ અદાર પૂનાવલાએ તેની જાણકારી આપતા કહ્યું કે, હાલમાં અમે આ રસીની ઇમરજન્સી ઉપયોગની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.


કંપનીએ કહ્યું કે, કોરોના રસીનું ઉત્પાદન સરકાર તરફથી આવનારી કુલ માગ પર આધાર રાખશે. ભારતમાં તાત્કાલીક કોરોના રસી રજૂ કરવાની જરૂરતને ધ્યાનમાં રાખતા એસઆઈઆઈએ ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની સાથે કોવિશીલ્ડના મેન્યુફેક્ચરિંગ માટે ભાગીદારી કરી હતી. પુણેની કંપનીએ કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગ માટે ડીજીસીઆઈને અરજી કરી છે.

પૂનાવાલાએ કહ્યું, ‘અમે પહેલા જ રસીના 4થી 5 કરોડ ડોઝ બનાવી ચૂક્યા છીએ. લોજિસ્ટિક્સના મુદ્દાને કારણે શરૂઆતમાં રસી આપવાની ગતિ ધીમી રહેશે. જોકે. એક વખત બધું વ્યવસ્થિત થઈ જશે ત્યાર બાદ તેમાં ઝડપ આવશે.’

તેમણે કહ્યું કે, કંપનીની યોજના આગામી વર્ષે માર્ચ સુધી રસીનું માસિક ઉત્પાદન 10 કરોડ ડોઝ સુધી કરવાની છે. પૂનાવાલાએ કહ્યું કે, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા રસીને બ્રિટનમાં ટૂંકમાં જ મંજૂરી મળી જશે. આગામી મહના સુધી ભારતમાં રસીને મંજૂરી મળવાની આશા છે.

તેમણે કહ્યું કે, મોટાભાગનું ઉત્પાદન ભારતને જ મળશે. જોકે, વૈશ્વિક પહેલ કોવેક્સ અંતર્ગત કેટલીક રસીને અન્ય દેશોને પણ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, પ્રથમ છ મહિના દરમિયાન રસીની ઘટ રહી શકે છે. પરંતુ અન્ય મેન્યુફેક્ચરર્સ દ્વારા જથ્થો મળવાનો શરૂ થયા બાદ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી બધું ઠીક થઈ જશે.