ચેન્નઈઃ પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવાઈ રહેલી કોવિશીલ્ડ વેક્સિનના એક વોલેન્ટિયર અને ચેન્નઈના 40 વર્ષીય બિઝનેસ કન્સલ્ટન્ટને ટેસ્ટ માટેનો ડોઝ અપાયા પછી ન્યૂરોલોજિકલ સમસ્યા થઈ હોવાની ફરિયાદ કરીને 5 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે.


આ દાવાની ચકાસણી ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા અને પ્રયોગના સ્થળની ઈન્સ્ટીટયૂશનલ એથિક્સ કમિટિ કરી રહી છે. દરમિયાનમાં ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચના સભ્યએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં કોવિડશિલ્ડ વેક્સિન અને વોલન્ટિયરના આક્ષેપોની વચ્ચે પ્રાસંગિક જોડાણના પુરાવા મળ્યા નથી.

ડોઝ લેનારી વ્યક્તિએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, બ્રિટનની એસ્ટ્રાજેનેકા, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા,ઓક્સફોર્ડ વેક્સિન ટ્રાયલના ચીફ ઈન્વેસ્ટિગેટર એન્ડ્ર પોલાર્ડ, યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ધ જેનર ઈન્સ્ટિટ્યુટ ઓફ લેબોરેટરીઝ અને રામચંદ્ર હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના વાઈસ ચાન્સલરને નોટિસ મોકલી છે. ડોઝ લેનારી વ્યક્તિના વકીલ એનજીઆર પ્રસાદે જણાવ્યું હતું કે તમામને 21 નવેમ્બરના રોજ નોટિસ મોકલાઈ છે અને હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.

વોલન્ટિયરે આક્ષેપ મૂક્યો છે કે, રસીનો ડોઝ લીધા બાદ તેમને ગંભીર એન્કેફ્લોપથી (મસ્તિષ્ક વિકૃતિ)ની સમસ્યા થઈ હતી. આ એવી સમસ્યા છે કે, જેનાથી મગજને નુકસાન થયું હતુ. તમામ પરિક્ષણો અને ટેસ્ટ દર્શાવે છે કે, તેમને આ સમસ્યા રસીનો ડોઝ આપ્યા પછી જ થઈ છે.

હાલમાં તેઓ જે પ્રકારનો આઘાત સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે સ્પષ્ટ દર્શાવે છે કે, જે રસીને જે પ્રકારે દર્શાવવામાં આવે છે, તેટલી સલામત તે નથી અને તમામ સ્ટેકહોલ્ડરો તેની આડઅસરને છુપાવવાની કોશીશ કરી રહ્યા છે.

નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, આ રસીના વોલન્ટિયર્સ માટેની માહિતી પત્રિકામાં જણાવવામાં આવ્યું હતુ કે, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ડેવલપ કરેલી 'કોવિડશિલ્ડ' રસી સલામત છે અને આ માહિતીને માનીને 40 વર્ષીય બિઝનેસ કન્સલ્ટન્ટે તેના વોલન્ટિયર બનવાનું સ્વીકાર્યું હતુ અને તેણે 29મી સપ્ટેમ્બરે આ અંગેના ફોર્મ પર હસ્તાક્ષર કર્યા હતા,

બીજી બાજુ, સીરમે આ આરોપને ફગાવી દઈ આ વ્યક્તિ સામે 100 કરોડનો દાવો કરવાની તૈયારી કરી છે. આ આરોપ ખોટા છે અને એનાથી કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. સીરમ ઈન્સ્ટીટયૂટે જણાવ્યું છે કે, લીગલ નોટિસમાં કરવામા આવેલા આક્ષેપો દ્વેષપૂર્ણ અને ખોટા છે અને તેનાથી થયેલા નુકશાન અંગે રૂપિયા 100 કરોડના વળતરની માગણી કરી છે.