2 ડિસેમ્બરે કેરળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ અંદમાનમાં પણ ભારે વરસાદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અન્ય જે રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી છે જેમાં તામિલનાડુનો પણ સમાવેશ થાય છે. નિવાર વાવાઝોડાને લીધે આ રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.
વરસાદની આગાહીની વચ્ચે દેશભરમાં ઠંડીનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ઠંડી દસ વર્ષનો રેકોર્ડ તોડશે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્લી સહિત ઉત્તર ભારતના રાજ્યોએ કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી.
ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાથી ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. જમ્મુ-કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા એક સપ્તાહથી હિમવર્ષાથી ઠંડીનો પારો શૂન્યથી નીચે પહોંચી ગયો છે. શ્રીનરમાં ઠંડીનો પારો માઈનસ 1.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જ્યારે ગુલબર્ગમાં ઠંડીનો પારો માઈનસ 3.2 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
પહલગામમાં પણ ઠંડીનો પારો 2.3 ડિગ્રી સુધી પહોંચી ગયો. તો રાજધાની દિલ્લીમાં નવેમ્બર મહિનામાં પડેલી ઠંડીને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નોંખ્યો છે અને દિલ્લીમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં ઠંડીનો પારો વધુ નીચે જવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજસ્થાનના દસ શહેરોનું તાપમાન પણ 10 ડિગ્રી કરતા નીચે નોંધાયુ છે. તો પ્રવાસન સ્થળ માઉંટ આબુમાં પણ ઠંડીનો પારો એક ડિગ્રી પર પહોંચી ગયો છે.