મુંબઈ : મહારાષ્ટ્રમા કોની સરકાર બનશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. એનસીપી સુપ્રીમો શરદ પવાર અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુંબઈની હોટલમાં બેઠક મળી હતી. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેના દિકરા આદિત્ય ઠાકરે અને એનસીપી નેતા અજીત પવાર પણ સામેલ થયા હતા. સુત્રોની જાણકારી અનુસાર એનસીપી- શિવસેના સાંજે પાંચ વાગે રાજયપાલને મળવા જાય તેવી શક્યતા છે.


આ દરમ્યાન દિલ્હીમાં શિવસેનાને સમર્થન આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામા મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમા આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. જો કે આ અંગે આખરી નિર્ણય મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ સાંજે મળનારી બેઠક બાદ જાહેર કરવામા આવે તેવી શક્યતા છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રમા એનસીપી- શિવસેના વચ્ચે મળેલી બેઠક ૧ કલાક સુધી ચાલી હતી. એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે અમારો જે પણ નિર્ણય હશે તે કોંગ્રેસ સાથે વાતચીત કરીને કરીશું. આ અંગે એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે એનસીપી કોંગ્રસ વિના વિધાનસભામા શિવસેનાને સાથે નહીં આપે. નવાબ મલિકે કહ્યું કે અમે સાથે ચૂંટણી લડી છે તેથી અમે કોંગ્રેસના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. અમે એક સાથે ચૂંટણી લડ્યા છીએ અને જે પણ નિર્ણય થશે એક સાથે લઈશું.

આ પૂર્વે દિલ્હીમા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ પર ચાલી રહેલી વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ હતી. બેઠક સમાપ્ત થવા પર કોંગ્રેસ નેતા મલ્લિકાઅર્જુન ખડગે એ કહ્યું કે બેઠકમા શિવસેનાને સમર્થન આપવા અંગે ચર્ચા થઈ હતી. શિવસેનાને સમર્થન પર મહારાષ્ટ્રના નેતાઓ સાથે વાતચીત કરીને પછી નિર્ણય લેવામા આવશે.