કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ અરવિંદ સાવંતે કહ્યું કે, અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે 50-50નો ફોર્મ્યૂલા નક્કી થયો હતો. બીજેપી આને બાદમાં નકારી દીધો છે. આનાથી અમારા અધ્યક્ષની ઇમેજ ખરાબ થઇ છે. ઠાકરે પરિવાર જે વચન આપે છે જે નિભાવે છે. આવામાં અમે જુઠ્ઠાઓની સાથે નથી રહી શકતા. આવા માહોલમાં હુ મંત્રી બની રહુ તે નૈતિકતાના ધોરણે યોગ્ય નથી. એટલા માટે હું આજે મારુ રાજીનામુ સોંપુ છું.
આ મામલે હવે શિવસેનાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતે મોદી સરકારમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી છે. તેમને ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પરિણામો આવ્યા બાદ સૌથી મોટી પાર્ટી બનીને આવેલી બીજેપીએ સરકાર બનાવવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ રાજ્યપાલે રાજ્યમાં સરકાર બનાવવા માટે શિવસેનાને આમંત્રણ આપ્યુ હતુ.
આ અગાઉ એનસીપીએ સ્પષ્ટ કહી દીધુ હતુ કે, ભલે રાજ્યમાં બીજેપી-શિવસેનાની સરકાર બને પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન તો નહીં લાગવા દઇએ, અને બાદમાં કારણે રાજ્યમાં વૈકલ્પિક સરકારના ફોર્મ્યૂલા સામે આવ્યા હતા.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધનને બહુમતી મળી છે, પણ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે વાત અટકી હતી, શિવસેનાની માંગ હતી કે, રાજ્યમાં 50-50 ફોર્મ્યૂલા પર સરકાર બને અને મુખ્યમંત્રી શિવસેનાનો હોય. વળી સામે પક્ષે બીજેપી શિવસેનાની માંગોને નકારી દીધી હતી.
શું છે બેઠકોનુ ગણિત....
બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.