મુંબઇઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયુ છે, છતાં પણ શિવસેનાને રાજ્યમાં સરકાર બનાવવાની પુરેપુરી આશા દેખાઇ રહી છે. શિવસેનાના ફોર્મ્યૂલા પ્રમાણે તે આગામી દિવસોમાં રાજ્યમાં એનસીપી અને કોંગ્રેસનો સાથે લઇને સરકાર બનાવી લેશે. જોકે, હવે શિવસેના માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. આ વખતે એક મુસ્લિમ સંગઠને આ મામલે શિવસેનાનો વિરોધ કર્યો છે.


મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા-એ-હિન્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખીને શિવસેનાને સમર્થન ના આપવાની અપીલ કરી છે. આ વાતને લઇને હવે શિવસેનાના મહત્વકાંક્ષાઓ પર પાણી ફરી વળે એમ છે.

શિવસેનાને સમર્થન ઘાતક સાબિત થશેઃ જમીયત ઉલેમા-એ-હિન્દ

જમીયત ઉલેમા-એ-હિન્દએ કહ્યું કે, કોંગ્રેસ તરફથી શિવસેનાને સમર્થન આપવાનો નિર્ણય કોંગ્રેસ માટે ઘાતક સાબિત થશે. સોનિયાને લખેલા એક પત્રમાં જમીયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ અરશદ મદનીએ લખ્યું કે, ‘’હું આપણુ ધ્યાન મહારાષ્ટ્રની ખરાબ રાજનીતિ તરફ આકર્ષિત કરવા માંગુ છુ, અને આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તમે શિવસેનાને સમર્થન આપવા માટે વિચારી રહ્યાં છો, આ કોંગ્રેસ પાર્ટી માટે ઘાતક અને ખતરનાક બની શકે છે.’’

જમીયત ઉલેમા-એ-હિન્દના પત્ર બાદ શિવસેના રાજનીતિમાં બરાબરની ફસાઇ ગઇ એવુ લાગી રહ્યુ છે. આ પત્ર શિવસેનાની મુખ્યમંત્રીની ખુરશી લેવામાં આડે આવી શકે છે.