મુંબઇઃ દેશ માટે આજે ઐતિહાસિક દિવસ બની ગયો, છેલ્લા છ-સાત દાયકાઓથી જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી કલમ 370ની ગોલબંદીને આજે નાબુદ કરવામાં આવી. મોદી સરકારે મોટો નિર્ણય લેતા રાજ્યસભામાં ગૃહમંત્રીએ સંકલ્પ પ્રસ્તાવ રજૂ કરીને કલમ 370ને ખતમ કરી નાંખી. આ સાથે જ મોદી સરકાર અને તેના સહયોગી પક્ષોએ ઉજવણી શરૂ કરી દીધી હતી. વારંવાર સરકારના નિર્ણયોની ટિકા કરનારી શિવસેનાએ આજે મુંબઇમાં મીઠાઇ વહેંચીને મોદી સરકારને અભિનંદન આપ્યા હતા.


શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા 370 કલમ હટાવવાના ડિસીઝનને વધાવ્યો હતો. શિવસેના પ્રમુખે ખુદ પાર્ટી કાર્યકર્તાઓ અને દેશ પ્રેમીઓને મીઠાઇ ખવડાવી હતી. તેની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ હતી.



ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના આ નિર્ણયનો અર્થ છે કે અનુચ્છેદ 370ના અંતર્ગત જમ્મુ-કાશ્મીરને જે વિશેષાધિકાર મળ્યા હતા, તે હવે ખતમ થઇ ગયા છે. હવે જમ્મુ-કાશ્મીર ભારતના અન્ય રાજ્યોની જેમ સામાન્ય રાજ્ય હશે. અમિત શાહની આ જાહેરાત બાદ રાજ્યમાં અનુચ્છેદ 370 પુરેપુરી રીતે લાગુ નહીં થાય.




ઉપરાંત જમ્મુ-કાશ્મીરને લદ્દાખથી અલગ કરી દેવામાં આવ્યુ છે. લદ્દાખને વિધાનસભા વિનાનું કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. અમિત શાહે જેવું આ બિલ રજૂ કર્યુ તેવો રાજ્યસભામાં હંગામો શરૂ થઇ ગયો હતો, રાજ્યસભાને થોડીકવાર સુધી સ્થગિત પણ કરી દેવી પડી હતી.