શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે ફરી મોદી સરકાર પર પ્રહારો કરીને કહ્યુ છે કે, આજે જે લોકો સાચુ કહે છે તેમને ગદ્દારનુ લેબલ લગાડી દેવામાં આવે છે.
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના વક્તવ્ય પર રજૂ કરાયેલા આભાર પ્રસ્તાવમાં રાઉતે કહ્યુ હતુ કે, મને લાગે છે કે કાયદામાંથી તમામ પિનલ કોડ કાઢીને હવે એક માત્ર કલમ રાખવામાં આવી છે અને તે છે દેશદ્રોહ, ઘરેલુ હિંસાના મામલામાં પણ આ કલમ લાગુ કરવામાં આવે છે.
સરકાર માટે કંગના રનૌત, અરનાબ ગોસ્વામી દેશ પ્રેમી છે. મોદીજીને પ્રચંડ બહુમતી મળી છે અને તેનુ અમે સન્માન કરીએ છે પણ આ બહુમતી દેશ ચલાવવા માટે હોય છે.અભિમાનથી દેશ નથી ચાલતો. તેમણે કહ્યુ હતુ કે, ખેડૂત આંદોલનને બદનામ કરવા માટે જે રીતે પ્રયત્નો કરાયા છે તે દેશ માટે યોગ્ય નથી.26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર તિરંગાના અપમાનથી બધા દુખી છે.પણ 100 જેટલા યુવાઓ આ દિવસ બાદ લાપતા છે અને તે ક્યાં છે તે ખબર નથી.
લાલ કિલ્લા પર તિરંગાનુ અપમાન કરનાર દિપ સિધ્ધુ કોણ છે, તે કોનો માણસ છે અને અત્યાર સુધી તે પકડાયો કેમ નથી તેના જવાબો સરકાર આપી રહી નથી. બીજી તરફ 200 ખેડૂતોને દેશદ્રોહના આરોપ હેઠળ જેલમાં પૂરવામાં આવ્યા છે.
રાઉતે કહ્યુ હતુ કે, બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા હજારો ખેડૂતો સરકાર માટે દેશદ્રોહી દેખાઈ રહ્યા છે.આ સિખો જ્યારે મોઘલો સામે લડ્યા તો તેમને યોધ્ધા કહ્યા હતા અને કોરોના સમયે લંગર ચલાવી રહ્યા હતા ત્યારે તેઓ દેશપ્રેમી હતી અને આજે પોતાના હક માટે લડી રહ્યા છે તો ખાલિસ્તાની થઈ ગયા છે.આ પ્રકારનુ વલણ બિલકુલ યોગ્ય નથી.